8 ફેબ્રુઆરી, 2024 ના રોજ પાકિસ્તાનના લાહોરમાં સામાન્ય ચૂંટણીના દિવસે મતદાન માટે મતદાન મથકની બહાર મહિલાઓ REUTERS/Navesh Chitrakar

આર્થિક સંકટમાં ઘેરાયેલા પાકિસ્તાનમાં વ્યાપક હિંસાની આશંકાઓ વચ્ચે નવી સરકાર ચૂંટવા માટે ગુરુવારે મતદાન થશે. ચૂંટણીમાં વડાપ્રધાન પદના મુખ્ય દાવેદાર ગણાતા માજી વડાપ્રધાન નવાઝ શરીફને શક્તિશાળી આર્મીનું સમર્થન હોવાનું માનવામાં આવે છે.

ચૂંટણીમાં નવાઝ શરીફને આર્મીનું સમર્થન હોવાથી તેઓ ચોથી વખત પીએમ બને તેવી પૂરી સંભાવના છે. શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવે તેવી શક્યતા છે, કારણ કે જેલમાં બંધ ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. PTIના ચૂંટણી પ્રતિક બેટને છીનવી લેવામાં આવ્યું છે. આ ચૂંટણી જંગમાં બિલાવલ ભુટ્ટો-ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) પણ સામેલ છે. બિલાવલને પાર્ટીએ પીએમનો ચહેરો બનાવ્યો છે.

મતદાન સવારે 8.00 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 5.00 વાગ્યા સુધી ચાલુ રહેશે. ચૂંટણીને કારણે દેશભરમાં જાહેર રજા જાહેર કરાઈ હતી. સામાન્ય ચૂંટણીઓમાં 12.85 કરોડથી વધુ મતદારોને મતદાન કરશે.

ચૂંટણીની પૂર્વસંધ્યાએ બે વિસ્ફોટોમાં 30ના મોતને પગલે દેશભરમાં લગભગ 6.50 લાખ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરીને સુરક્ષામાં વધારો કરાયો છે. બુધવારે પોલીસ અને સૈનિકોની સુરક્ષા વચ્ચે મતદાન અધિકારીઓની દેખરેખ હેઠળ 90,000થી વધુ મતદાન મથકો ચૂંટણી સામગ્રી પહોંચાડવામાં આવી હતી. પંજાબ પ્રાંતમાં સૌથી વધુ આશરે 7.3 કરોડ, સિંધમાં 2.6 કરોડ, ખૈબર પખ્તુનખ્વા 2.1 કરોડ અને બલૂચિસ્તાનમાં 53 લાખ અને ફેડરલ કેપિટલ ઇસ્લામાબાદ આશરે એક લાખ મતદારો છે.

નેશનલ એસેમ્બલી (NA) સીટો માટે કુલ 5,121 ઉમેદવારો રેસમાં છે, તેમાં 4,807 પુરુષો, 312 મહિલા અને બે ટ્રાન્જેન્ડર છે. ચાર પ્રાંતીય એસેમ્બલી માટે, 12,695 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 12,123 પુરૂષ, 570 મહિલાઓ અને બે ટ્રાન્સજેન્ડર છે.દેશભરમાં 90,7675 મતદાન મથકો ઊભા કરાયા છે, જેમાં 25,320 પુરુષ મતદારો માટે, 23952 મહિલાઓ માટે અને 41,403 મિશ્ર મતદાન મથકો છે. આમાંથી 29,985ને સંવેદનશીલ અને 16,766ને અતિસંવેદનશીલ જાહેર કરાયા છે.

નેશનલ એસેમ્બલીની કુલ 336માંથી 266 બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી, પરંતુ એક ઉમેદવારની હત્યાને કારણે 265 બેઠકો પણ ચૂંટણી યોજાશે. નેશનલ એસેમ્બીની 60 બેઠકો મહિલાઓ માટે અને અન્ય 10 લઘુમતીઓ માટે અનામત છે અને તે સપ્રમાણસર પ્રતિનિધિત્વના આધારે વિજેતા પક્ષોને ફાળવવામાં આવે છે. કુલ 749માંથી ચાર પ્રાંતીય એસેમ્બલીઓની 593 બેઠકો પર ચૂંટણી યોજાશે.

LEAVE A REPLY