બેરિસ્ટર વરુણ ઘોષે ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લેનાર ભારતીય મૂળના પ્રથમ ઓસ્ટ્રેલિયન સંસદ સભ્ય બનીને ઈતિહાસ રચ્યો હતો. વરુણ ઘોષ પર્થ સ્થિત વકીલ છે, જેઓ માત્ર 17 વર્ષના હતા ત્યારે ભારતમાંથી માઇગ્રેટ થયા હતા. તેમણે યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયામાંથી આર્ટસ અને લૉમાં ડિગ્રી મેળવી હતી અને યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજમાં કાયદામાં કોમનવેલ્થ સ્કોલર છે.
અગાઉ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે પણ હાઉસ ઓફ કોમન્સમાં ભગવદ ગીતા પર પર હાથ રાખીને સાંસદ તરીકે શપથ લીધા હતાં.
તેઓ અગાઉ વોશિંગ્ટન, ડીસીમાં વર્લ્ડ બેંક માટે સલાહકાર તરીકે અને ન્યુયોર્કમાં ફાઇનાન્સ એટર્નીના હોદ્દા પર રહી ચૂક્યા છે. તેમની રાજકીય કારકિર્દી પર્થમાં શરૂ થઈ હતી. તેઓ તે સમયે ઓસ્ટ્રેલિયાની લેબર પાર્ટીમાં જોડાયા હતા.
ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન પેની વોંગે ઘોષનું સ્વાગત કર્યું હતું અને X પર લખ્યું હતું કે “પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના અમારા નવા સેનેટર વરુણ ઘોષનું સ્વાગત છે. સેનેટર ઘોષ ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લેનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન સેનેટર છે. મેં ઘણીવાર કહ્યું છે કે, જ્યારે તમે કોઈ બાબતમાં પ્રથમ હોવ ત્યારે તમારે ખાતરી કરવી પડશે કે તમે છેલ્લા નથી. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની આલ્બાનીસે પણ ટ્વીટ કર્યું હતું કે “પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના અમારા નવા સેનેટર વરુણ ઘોષનું સ્વાગત છે. તમે ટીમમાં સામેલ થવાથીઆનંદ થયો.”
પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની વિધાનસભાએ જણાવ્યું હતું કે, “વિધાનસભા અને વિધાન પરિષદે ફેડરલ સંસદની સેનેટમાં પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરવા માટે સેનેટર વરુણ ઘોષની પસંદગી કરી છે.”