એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી પહેલા સંસદમાં છેલ્લું પ્રવચન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર, પાંચ ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે અમારો ત્રીજો કાર્યકાળ બહુ દૂર નથી. વધુમાં વધુ 100-125 દિવસ બાકી છે. આખો દેશ ‘અબકી બાર, 400 પાર’ કહી રહ્યો છે. ખડગે જીએ પણ એવું કહ્યું હતું. વડાપ્રધાન મોદીએ એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે એકલા ભાજપને 370 બેઠકો મળશે અને એનડીએ ગઠબંધનને 400 બેઠકો મળશે.
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે આભાર દરખાસ્તની ચર્ચાનો જવાબ આપતાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે હું વિપક્ષે લાંબા સમય સુધી વિપક્ષી બેન્ચ પર બેસવાનો સંકલ્પ કર્યો છે. ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે. જેમ તેઓ ઘણા દાયકાઓથી અહીં બેઠા હતા, તે જ રીતે તેઓ ઘણા વર્ષો સુધી ત્યાં બેઠા હશે. દાયકાઓ પણ.
પરિવારવાદના મુદ્દે કોંગ્રેસની ઝાટકણી કાઢતાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે સારો વિપક્ષ બનવાની મોટી તક હતી. 10 વર્ષ ઘણો લાંબો સમય હતો. પરંતુ તેઓ આ કાર્યમાં પણ નિષ્ફળ ગયા. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ હવે એક જ પ્રોડક્ટને લોન્ચ કરવાના વારંવારના પ્રયાસો પછી દુકાન બંધ કરવાની અણી પર છે. રાજનાથજીનો કોઈ પક્ષ નથી. અમિત શાહનો કોઈ પક્ષ નથી. કોંગ્રેસ પાર્ટીએ દેશવાસીઓની ક્ષમતા પર વિશ્વાસ નથી મૂક્યો. કોંગ્રેસ દેશવાસીઓની ક્ષમતાને ઓછી આંકી છે.
કોંગ્રેસ પર કટાક્ષ કરતા મોદીએ કહ્યું હતું કે, ક્યાં સુધી તમે ટુકડાઓમાં વિચારતા રહેશો? ક્યાં સુધી તમે સમાજમાં ભાગલા પાડતા રહેશો? વિપક્ષની આ હાલત માટે કોંગ્રેસ સંપૂર્ણપણે જવાબદાર છે.વિપક્ષમાંથી ઘણા લોકોએ ચૂંટણી લડવાની હિંમત ગુમાવી દીધી છે. મેં સાંભળ્યું છે કે ઘણા લોકો સીટો બદલવાની યોજના બનાવી રહ્યા છે. ઘણા લોકો લોકસભાને બદલે રાજ્યસભામાં જવા માંગે છે.