વર્લ્ડ કપ ફૂટબોલ 2026ની ફાઈનલ ન્યૂ જર્સીના ન્યૂ યોર્ક ખાતેના મેટલાઈફ સ્ટેડિયમમાં રમાશે એવી જાહેરાત ફિફાના આયોજકોએ રવિવારે (4 ફેબ્રુઆરી) કરી હતી.
ફિફા વર્લ્ડ કપમાં 48 ટીમ ભાગ લેવાની છે અને તે સંયુક્ત રીતે અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં યોજાશે. સ્પર્ધાની પ્રથમ મેચ 11 જુનના રોજ મેક્સિકો સીટીના એઝટેકા સ્ટેડિયમમાં રમાશે, તો ફાઈનલ 19 જુલાઈના રોજ ન્યૂ યોર્કમાં રમાશે. એકંદરે સ્પર્ધામાં 104 મેચ ત્રણે દેશોના મળી 16 આધુનિક સ્ટેડિયમોમાં રમાશે.
બે સેમિ ફાઈનલ્સ આટલાંટા અને ડલ્લાસમાં તથા ત્રીજા સ્થાન માટેની મેચ માયામીમાં રમાશે. ક્વાર્ટર ફાઈનલ્સ લોસ એન્જેલસ, કેન્સાસ સિટી, માયામી અને બોસ્ટનમાં રમાશે. એક મહત્ત્વનો યોગાનુયોગ એ છે કે, અમેરિકાની સ્વતંત્રતાના 250 વર્ષની ઉજવણીઓ વેળાએ ફૂટબોલ વર્લ્ડ કપ યોજાશે. સ્પર્ધામાં ચાર-ચાર ટીમના 12 ગ્રુપ રહેશે. સમગ્ર કાર્યક્રમ, ફૂલ ડ્રો 2025ના ઉત્તરાર્ધમાં યોજાશે.