યુકેના ભારતીય મૂળના વડાપ્રધાને ઋષિ સુનકે જણાવ્યું હતું કે, તેમને બાળપણમાં રંગભેદનો અનુભવ થયો હતો. આ ઉપરાંત તેઓ યોગ્ય રીતે ભાષા બોલી શકે તે માટે તેમને માતા-પિતાએ નાટકના વધારાના વર્ગમાં પણ મોકલ્યા હતા.
2022ની દિવાળીમાં જ્યારે શાસક કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતા તરીકે સુનક બિનહરિફ ચૂંટાયા પછી કિંગ ચાર્લ્સ દ્વારા તેમની બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન તરીકે નિમણૂક કરી હતી ત્યારે ઇતિહાસ રચાયો હતો.
ITV ન્યૂઝ સાથેના ઇન્ટર્વ્યૂમાં સુનકે જણાવ્યું હતું કે, તેમના માતા-પિતા સ્પષ્ટ ભાષા અને ઉચ્ચારો વગર બોલવા માટે નિશ્ચયી હતા અને તે માટે તેમને નાટકના વધારાના વર્ગમાં મોકલતા હતા. તેમના માતા-પતિા ઉચ્ચારો બાબતે પણ સતર્ક હતા. સુનકે કહ્યું હતું કે, “મેં એક બાળક તરીકે રંગભેદનો અનુભવ કર્યો હતો.”
સુનકે તેમના નાના ભાઇ-બહેનો માટેના અપશબ્દોને યાદ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું, તેમણે વધુમાં કહ્યું હતું કે, વંશભેદ “ખૂંચે” છે અને કંઇક અલગ રીતે દર્દ પહોંચાડે છે.
વડાપ્રધાન સુનક ઇચ્છે છે કે, તેઓ જે પીડામાંથી પસાર થયા તેનો અનુભવ હવે તેમના બાળકોને ન થાય.
પોતાના ભારતીય વંશ અંગે ચર્ચા કરતા સુનકે જણાવ્યું હતું કે, તેમના માતા-પિતા ઇચ્છતા હતા કે, પોતાના બાળકો અન્ય લોકોની જેમ ભાષા બોલે. તેમના માતા એ બાબતે ખાસ સતર્ક હતા કે, તેમના બાળકો કેવા ઉચ્ચારો બોલે છે. સુનકે વધુમાં કહ્યું કે, કોઇપણ પ્રકારનો રંગભેદ સંપૂર્ણ અસ્વીકાર્ય છે.