ઉત્તરપ્રદેશની પોલીસે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI માટે જાસૂસી કરવા બદલ મોસ્કો સ્થિત ભારતીય દૂતાવાસમાં કામ કરતા એક ભારતીય નાગરિકની રવિવારે ધરપકડ કરી હતી. સતેન્દ્ર સિવાલ નામનો આ કર્મચારી 2021થી મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં IBSA (ભારત સ્થિત સુરક્ષા સહાયક) તરીકે કામ કરી રહ્યો હતો.
એટીએસે જણાવ્યું હતું કે તે સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ભારતીય સૈન્ય મથકોની વ્યૂહાત્મક ગતિવિધિઓ સંબંધિત મહત્વપૂર્ણ ગોપનીય માહિતી આપતો હતો અને આ માહિતી આપવા માટે પૈસા લેતો હતો.
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તે સિવાલની ધરપકડથી વાકેફ છે અને આ કેસમાં તપાસ અધિકારીઓ સાથે કામગીરી કરી રહ્યું છે.
યુપીની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)ના મેરઠ ફિલ્ડ યુનિટે સતેન્દ્ર સિવાલને પૂછપરછ માટે બોલાવ્યો હતો. હાપુડના શાહમહિઉદ્દીનપુર ગામના રહેવાસી સિવાલ સંતોષકારક જવાબો આપી શક્યો ન હતો અને પૂછપરછ તેને તેના ગુનાની કબૂલાત કરી હતી. એટીએસે ઇલેક્ટ્રોનિક અને ફિઝિકલ સર્વેલન્સ દ્વારા તેની તપાસમાં શોધી કાઢ્યું હતું કે તે ISI હેન્ડલર્સના નેટવર્ક સાથે મળીને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો. આરોપી સતેન્દ્ર સિવાલને ISIએ હની ટ્રેપ દ્વારા ફસાવ્યો હોવાનું માનવામાં આવે છે.