જ્ઞાનવાપીમાં 6 ફેબ્રુઆરી (મંગળવાર) સુધી પૂજા કરવા પર કોઇ રોક રહેશે નહીં. આ ઉપરાંત, અલ્હાબાદ હાઇકોર્ટે એડવોકેટ જનરલને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાનો આદેશ કર્યો છે. વારાણસી જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં મુસ્લિમ પક્ષને અલ્હાબાદ હાઇકોર્ટે રાહત આપી નથી. આ મામલામાં આગામી સુનાવણી 6 ફેબ્રુઆરીએ થશે. આ પહેલા ગુરુવારે સુપ્રીમ કોર્ટે વ્યાસ તહખાનામાં પૂજા-પાઠ રોકવા સંબંધિત અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને પહેલા હાઇકોર્ટમાં જવા કહ્યું હતું.

આ પહેલા હાઇકોર્ટમાં બંને પક્ષો વચ્ચે દલીલો થઈ હતી. જ્યારે મુસ્લિમ પક્ષે હાઇકોર્ટને કહ્યું કે વારાણસી કોર્ટે 7 દિવસમાં પૂજાની વ્યવસ્થા તહખાનામાં કરવા આદેશ આપ્યો હતો. જોકે, જિલ્લા કલેક્ટરે ફક્ત 7 કલાકમાં જ પૂજાની પ્રક્રિયા શરુ કરાવી, જેના કારણે ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. હાઇકોર્ટમાં જજે હિન્દુ પક્ષને પૂછ્યું કે પૂજા કરવા માટે હાલ અરજી કરવાની જરુરિયાત શું હતી ? એટલે હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે, આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયના સર્વેક્ષણમાં તહખાનાના દરવાજા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

મુસ્લિમ પક્ષે બંધનું એલાન આપ્યું, 1700 લોકોએ નમાજ કરી
આ પહેલા વ્યાસ તહખાનામાં પૂજા-પાઠ શરુ થતાં નારાજ મુસ્લિમ પક્ષે શુક્રવારે વારાણસી બંધનું આહ્વાન કર્યું હતું. તેમજ મસ્જિદમાં ઉપસ્થિત રહેવા અપીલ કરાઈ હતી. ત્યાર પછી, શુક્રવારે નમાજમાં 1700 લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સામાન્ય રીતે શુક્રવારની નમાજમાં 300થી 500 લોકો આવતા હોય છે. અંદર પરિસર ભરાઇ જતા પોલીસે સુરક્ષા વ્યવસ્થાને પગલે નમાજીઓને બહાર જ રોકી દીધા હતા અને તેમને આસપાસની મસ્જિદમાં જવા અપીલ કરી હતી.

LEAVE A REPLY