અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પછીદરરોજ 1.5થી 2 લાખ લોકો અયોધ્યા જાય છે, આથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે, અને લોકોની માથાદીઠ આવકમાં વધારો થઇ રહ્યો છે. અત્યારે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા જઇ રહ્યા છે. અયોધ્યામાં ભક્તો એકથી બે દિવસ વિતાવે છે ત્યારે તેઓ ત્યાંની હોટલમાં રહે છે, સ્થાનિક બજારોમાંથી ખરીદી કરે છે. રામ મંદિરનું મોડેલ, પ્રસાદ તરીકે મીઠાઈઓ, શ્રીરામ નામનો ધ્વજ અને પત્રિકાઓની ખરીદી વધતા અયોધ્યામાં રોજગારીની તકોમાં પણ વધારો થયો છે.
ઈકોનોમિક એસોસિએશનના જનરલ સેક્રેટરી વિનોદ કુમાર શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી સમગ્ર રાજ્યનો માહોલ બદલાયો છે. પૂજા વિધિ કરતાં પંડિતો દરરોજ 1,000 થી 1,500 રૂપિયાની કમાણી કરી રહ્યા છે. જો આપણે માસિક આવક ઉમેરીએ તો તેમની આવક 30,000 થી 45,000 રૂપિયા છે.
રોજગાર અને માથાદીઠ આવકને ઉદાહરણ તરીકે ધ્યાનમાં લઈએ તો, અયોધ્યામાં લગભગ 500 જેટલા લોકો તો ભક્તોના કપાળ પર શ્રી રામ લખવાના કામમાં જોડાયેલા છે. તેમને કોઈ વ્યક્તિના કપાળ પર શ્રી રામ લખવા માટે ઓછામાં ઓછા 10 રૂપિયા મળે છે. કેટલાક લોકો તેથી પણ વધારે શ્રદ્ધાના ભાગરૂપે રુપિયા આપે છે. આવી સ્થિતિમાં જ્યારે બહારથી દરરોજ 2 લાખથી વધુ ભક્તો અયોધ્યા આવે છે, ત્યારે તેમને 500-1000 રૂપિયા પણ મળી રહે છે.