British Prime Minister Rishi Sunak (Photo by Dan Kitwood/Getty Images)
18 વર્ષથી ઓછી ઉંમરે વેપ કરતા લોકોનું પ્રમાણ છેલ્લા બે વર્ષમાં લગભગ નવ ગણું વધી ગયું હોવાના અહેવાલો બાદ સરકાર સિંગલ-યુઝ ઇ-સિગારેટ અથવા વેપ પર પ્રતિબંધ મૂકવા માટે નવા કાયદાનો અમલ કરવા માટે તૈયાર છે એવી વડા પ્રધાન ઋષિ સુનકે તા. 29ના રોજ જાહેરાત કરી હતી.
સુનકે જાહેરાત કરતા પહેલા કહ્યું હતું કે “માતાપિતા અથવા શિક્ષકો જાણે છે, આ ક્ષણે સૌથી વધુ ચિંતાજનક બાબત હોય તો તે બાળકોમાં વેપીંગ કરવામાં વધારો થઇ રહ્યો તે છે. તેથી તેમાં વધારો થાય તે પહેલાં આપણે કાર્ય કરવું જોઈએ. હું ડીસ્પોઝેબલ વેપ પર પ્રતિબંધ મૂકવા માટે બોલ્ડ પગલાં લઈ રહ્યો છું. વેપ ફ્લેવરને પ્રતિબંધિત કરવા, પ્લેન પેકેજિંગ રજૂ કરવા અને દુકાનોમાં વેપ કેવી રીતે પ્રદર્શિત થાય છે તે બદલવા માટે નવા પાવર્સ લાવી રહ્યો છું.”
સરકાર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં બાળકોને ગેરકાયદેસર રીતે વેપ વેચતી દુકાનોને દંડ કરવાની યોજના ધરાવે છે.
દરખાસ્તનું સ્વાગત કરતાં દેશના ચિફ મેડિકલ ઓફિસર ક્રિસ વ્હિટીએ કહ્યું હતું કે આ કાયદો ભવિષ્યની ઘણી પેઢીઓ પર જાહેર આરોગ્ય પર મોટી અસર કરશે.
સુનકે ગયા વર્ષે યુકેને ધૂમ્રપાન મુક્ત રાષ્ટ્ર બનાવવાની યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમની દરખાસ્ત મુજબ 1 જાન્યુઆરી 2009ના રોજ અથવા તે પછી જન્મેલા કોઈપણને તમાકુના ઉત્પાદનો વેચવા ગુનો બનાવશે. જ્યાં સુધી તે સમગ્ર વસ્તીને લાગુ ન થાય ત્યાં સુધી ધૂમ્રપાનની ઉંમરને અસરકારક રીતે એક વર્ષ સુધી વધારવામાં આવશે. તેનો અર્થ એ છે કે આજે 14 વર્ષની વયની વ્યક્તિને ક્યારેય કાયદેસર રીતે સિગારેટ વેચી શકાશે નહીં.

LEAVE A REPLY