ભારતના ભૂતપૂર્વ સુકાની તથા બેટિંગ ક્ષેત્રે અનેક રેકોર્ડ ધરાવતા પીઢ ખેલાડી વિરાટ કોહલીને આઈસીસીએ 2023નો “વન-ડે પ્લેયર ઓફ ધ યર”નો એવોર્ડ ગયા સપ્તાહે જાહેર કર્યો હતો. કોહલીએ આ એવોર્ડ ચોથીવાર મેળવ્યો છે અને તે એક વર્લ્ડ રેકોર્ડ છે.
ગયા વર્ષે ભારતમાં રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર બેટિંગ સાથે 50 વન-ડે સદી સહિતના કેટલાક રેકોર્ડ પણ નોંધાવ્યા હતા અને એ ઉત્કૃષ્ટ દેખાવના પગલે તેને આ એવોર્ડ માટે પસંદ કરાયો હતો. તેણે ગયા વર્ષના વર્લ્ડ કપમાં સૌથી વધુ, 765 રનનો રેકોર્ડ કર્યો હતો, તો 2023માં તેણે વન-ડે ઈન્ટરનેશનલ્સમાં 1377 રન કર્યા હતા. એક કેલેન્ડર વર્ષમાં વિરાટે આઠમી વખત એક હજારથી વધુ રનની સિદ્ધિ હાંસલ કરી હતી, જે એક વધુ વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે. તે અગાઉનો સાત વખતનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો.
ભારતનો જ સૂર્યકુમાર યાદવ ટી-20 ઈન્ટરનેશલ્સનો પ્લેયર ઓફ ધ યર જાહેર થયો હતો. ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ ટેસ્ટ પ્લેયર ઓફ ધી યર જાહેર થયો હતો.