ટોયોટા મોટરે 2023માં 11.2 મિલિયન વાહનોનું વિક્રમજનક વાર્ષિક વેચાણ નોંધાવીને સતત ચોથા વર્ષે વિશ્વમાં સૌથી વધુ કાર વેચતી ઓટો કંપનીનો તાજ જાળવી રાખ્યો હતો. જાપાનીઝ ઓટોમેકરે ગયા વર્ષે વૈશ્વિક વેચાણમાં 7.2%નો ઉછાળો નોંધાવ્યો હતો, જેમાં નાની-કાર નિર્માતા કંપની ડાઇહત્સુ અને ટ્રક યુનિટ હિનો મોટર્સનો સમાવેશ થાય છે.
ફોક્સવેગન વેચાણની દ્રષ્ટિએ બીજા ક્રમે રહી હતી. તેને 12%ની વાર્ષિક વેચાણ વૃદ્ધિ સાથે 92.4 લાખ કાર વેચી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ટોયોટાનું ઉત્પાદન 2022ની સરખામણીમાં 2023માં 8.6% વધીને 1.15 કરોડ થઈ ગયું છે. પુરવઠા ચેઇનમાં સુધારા સાથે ઉત્તર અમેરિકા અને યુરોપ જેવા બજારોમાં સતત માંગને કારણે ટોયોટાને વેચાણ વધારવામાં મદદ મળી છે.
વેચાણનું આ પ્રદર્શન એવા સમયે આવ્યું છે જ્યારે વૈશ્વિક બજારમાં ઇલેક્ટ્રિક કારની માંગ વધી રહી છે. વિશ્વની સૌથી મોટી કાર વિક્રેતા ટોયોટા ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ઘણી પાછળ છે. ગયા વર્ષે તેણે માત્ર 1.04 લાખ ઈવીનું વેચાણ કર્યું હતું. ટોયોટાના વેચાણમાં સૌથી મોટો હિસ્સો હાઇબ્રિડ મોડલ્સને કારણે રહ્યો છે. BYD 30.2 લાખના આંકડા સાથે ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ કારના વેચાણમાં મોખરે છે. ત્યાર બાદ ટેસ્લાનો નંબર આવે છે, જેણે 2023માં 18.1 લાખ ઈવીનું વેચાણ કર્યું છે.