કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ શરાબ કૌભાંડમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને શુક્રવારે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવેલ આ પાંચમું સમન્સ છે. તેમને સૌપ્રથમ 2 નવેમ્બરે, ત્યારબાદ 21 ડિસેમ્બર, 3 જાન્યુઆરી અને 13 જાન્યુઆરીએ સમન્સ મોકલવામાં આવ્યું હતું, પરંતુ કેજરીવાલ હજુ પૂછપરછ માટે હાજર થયા નથી.
એજન્સીએ જણાવ્યું હતું કે જો તેઓ સમન્સ મુજબ હાજર નહીં થાય તો તપાસ એજન્સી ધરપકડ વોરંટ માટે કોર્ટમાં જઈ શકે છે. આમ આદમી પાર્ટીના વડાએ અગાઉ વિવિધ કારણો રજૂ કરીને સમન્સને ટાળ્યાં છે. તેમણે એજન્સીના સમન્સને ગેરકાયદેસર પણ ગણાવ્યાં છે અને જણાવ્યું હતું કે મોદી સરકારે ચૂંટણી પહેલા તેમની ધરપકડ કરવા માગે છે.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા આ કેસમાં કેજરીવાલની અગાઉ નવ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી જોકે તેમને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા નથી.
દિલ્હીના ડેપ્યુટી મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સહિત તેમની સરકારના બે વરિષ્ઠ પ્રધાનોની અત્યાર સુધીમાં ધરપકડ કરાઈ છે. સિસોદિયાની ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અને પાર્ટીના સાંસદ સંજય સિંહની ઓક્ટોબરમાં ધરપકડ કરાઈ હતી. બંને હાલ દિલ્હીની તિહાર જેલમાં છે.
દિલ્હી દારૂનો કેસ એ આરોપોનો ઉલ્લેખ કરે છે કે AAP સરકારની 2022 ની સુધારેલી આલ્કોહોલ વેચાણ નીતિએ તેને કાર્ટેલ્સ પાસેથી કરોડો રૂપિયાની કિકબેક મેળવવાની મંજૂરી આપી હતી, અને આ નાણાં ગોવા અને અન્ય રાજ્યોમાં ચૂંટણી ખર્ચના ભંડોળમાં વહન કરવામાં આવ્યા હતા.