પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ડો. યુવા અય્‍યર : આયુર્વેદિક ફિઝિ‌શિયન

ભારતની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિને પરિણામે આખા વર્ષ દરમિયાન ચાર-ચાર મહિનાની ત્રણ મુખ્ય ઋતુઓ બને છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું. પ્રત્યેક ઋતુની વિશિષ્ટતા તે સમયગાળા દરમિયાન વાતાવરણમાં થતાં ફેરફારને પરિણામે હોય ચે. શિયાળા દરમિયાન હવામાનની ઠંડક અને શુષ્કતાને પરિણામે ગરમ-હૂંફાળા પ્રવાહી પીવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. પરંપરાગત રીતે સવારના પીણા તરીકે સ્વીકૃત ચ્હા શિયાળા દરમિયાન ગરમાવો મેળવવા વધુ પીવાની ઇચ્છા થતી હોય છે.

પરંપરાગત ચ્હા
ભારતના વિવિધ પ્રાંતમાં બનતી ચ્હામાં પણ વિવિધતા તેમાં દૂધ-પાણીના અનુપાત, ગળપણનાં પ્રમાણ – પ્રકાર અને ચ્હાની પત્તિ ઉમેરવામાં આવતા અન્ય પદાર્થોથી જોવા મળે છે. હર્બટ-ટી હર્બલ ટી એક એવું પીણું છે જેમાં ઉકળતા ગરમ પાણીમાં અથવા વિશિષ્ટ પ્રક્રિયાથી વનસ્પતિના વિવિધ અવયવો – પાન, ડાળખી, ફુલની સુકવણી ઉમેરી કુદરતી ગળપણ અથવા ગળપણ વગર પણ બનાવવામાં આવે છે.

હર્બલ-ટીમાં વપરાતાં હર્બ્સનાં વિશિષ્ટ આરોગ્યજનક ગુણોને પરિણામે હર્બલ-ટી એક આરોગ્યપ્રદ પીણું બને છે. આયુર્વેદમાં ફાંટ, હિમ જેવા વિધિપૂર્વક બનાવેલા પ્રવાહી વિશે વિગતે વર્ણન કરેલું છે. જેમાં રોગ માટે કારણભૂત દોષોને ધ્યાનમાં રાખીને યથાયોગ્ય દ્રવ્યોનો ઉપયોગ સૂચવાય છે. પ્રવર્તમાન સમયમાં હર્બલ-ટીનો પ્રચાર પાશ્ચાત્ય દેશોમાં વિશેષ જોવા મળે છે. તેનાં અનુકરણરૂપે ભારતમાં પણ પરંપરાગત ચ્હા સાથે અન્ય આદુ, મરી, સૂંઠ જેવા પદાર્થો ઉમેરીને ચ્હાનું વેચાણ થઇ રહ્યું છે. આ ઉપરાંત ગ્રીન-ટીની પ્રચલિતતા વધી રહી છે. અહીં આ લેખમાં વારંવાર શરદી, ખાંસી, ગેસ-ઓડકાર, અપચો, તંદ્રા, આળસથી પીડાતા હોય તેઓ માટે વાયુ-કફ મટાડે તેવી હર્બલ-ટી તથા એસિડિટી, ખાટા ઓડકાર, માઇગ્રેનથી પીડાતા હોય તેઓ માટે પિત્તાધિક્ય મટાડે તેવી હર્બલ-ટી વિશે જણાવીશ.

વાયુ-કફના રોગ માટે હર્બ-ટીઃ સૂંઠ, તજ, લવિંગ એક સરખા પ્રમાણમાં લઇ પાવડર કરવો, એક કપ હર્બલ-ટી બનાવવા માટે 1 1/2 કપ પાણી ઉકાળવું, ઉકળતા પાણીમાં 1 ટીસ્પૂન આશરે 5 ગ્રામ જેટલો પાવડર ઉમેરી, પાણી અગ્નિ પરથી લઇ લેવું. 2-3 મિનિટ ઢાંકીને રાખવું. ત્યાર બાદ તેમાં આવશ્યકતા અનુસાર ગોળ, સાકરનું ચૂર્ણ અથવા મધ ભેળવીને પીવું.

મીન્ટ-ટીઃ ફુદીનાની સૂકવણી કરી રાખવી, 1 ટેબલ સ્પૂન ફુદીનાની સુકવણી અથવા 3/4 ટેબલ સ્પૂન ફુદીનાના તાજા પાનને ઉકાળને ગરમ કરેલા પાણીમાં નાંખી, ઢાંકીને 5 મિનિટ રાખી મુકવા. ત્યાર બાદ તેમાં લીંબું, મધ અથવા સાકર ઉમેરી પીવું.

તુલસી-આદુની ચ્હાઃ 7-8 પાન તુલસી, 1 ઇંચ તાજા આદુના ટુકડો આ બંનેને અધકચરાં વાટી લેવા 1 1/2 કપ ઉકળતા પાણીમાં નાખવું. થોડો સમય ઢાંકીને રાખવું. કપમાં ગાળી લઇ તેમાં 1 નાની ચમચી પીપરનું ચુર્ણ અને મધ ઉમેરવું. ખૂબ ઠંડીને કારણે વાયુ-કફથી માથું જકડાઇ જતું હોય, સાયનોસાયટીસ જેવી તકલીફમાં આવી હૂંફાળી ચ્હા ફાયદો કરે છે.

ગેસ, અપચો જેવા પાચન સંબંધિત આ હર્બલ-ટીમાં વપરાતાં આદું, તુલસી પીપરમાં રહેલાં એન્ઝામેટીક અને કર્મીનેટીવ્સ ગુણોથી ફાયદો થાય છે. કફ જામી જવાને કારણે ખાંસીનાં ઢસકા આવ્યા કરતાં હોય, ગળામાં સોજો હોય, સાયનસ ભરાઇ જતી હોય, એલર્જીક શરદીને કારણે વારંવાર છીંકો આવ્યા કરતી હોય તેઓને ફાયદો થશે.

પિત્તથી થતાં રોગથી પીડાતી વ્યક્તિઓ જ્યારે કફથી છુટવા માટે આદુ, મરી જેવા તીક્ષ્ણ પદાર્થોથી બનેલી હર્બલ-ટીનો ઉપયોગ કરે છે, ત્યારે હોજરીમાં સોજો, ચાંદા જેવી તકલીફ હોય ત્યારે પેટમાં બળતરા સાથે દુઃખાવો થવા જેવી તકલીફ વધી જાય છે. આથી જ વ્યક્તિગત પ્રકૃતિ અને દોષને ધ્યાનમાં રાખી પિત્તને વધુ વિકૃત ન કરે, તેમ છતાં પણ ખાંસી, શરદી, કફની જમાવટ દૂર કરે, શિયાળાના ઠંડા વાતાવરણમાં ગરમાવો મળે તે આશયથી નીચે મુજબની હર્બલ-ટીનો ઉપયોગ કરી શકાય.

જેઠીમધની ચ્હા – 11/2 કપ ઉકળતા 1 નાની ચમચી જેઠીમધનું ચૂર્ણ, 1-2 એલચીનું ચૂર્ણ, 1/4 ચમચી સૂંઠનું ચુર્ણ ઉમેરી, અગ્નિ પરથી ઉતારી ઢાંકણને 5 મિનિટ બાદ જરૂરિયાત જણાય તો સાકર ઉમેરી હૂંફાળું પીવું જેઠીમધ, એલચી, અને સૂંઠ કફ દૂર કરે છે. જેઠીમધની વિશિષ્ટતા ગળા અને હોજરીની અંતઃત્વચાનો સોજો, ઇરીટેશન મટાડે છે, સૂંઠ, કફ દૂર કરતી હોવા છતાં પણ પિત્તના રોગીઓને પ્રમાણસર ઉપયોગ જ માફક આવે છે.
1 1/2 કપ ઉકળતા 1 ટેબલસ્પૂન ગુલાબના પાનની સુકવણી ઉમેરી, 1 નાનો ટુકડો તજનો ઉમેરવો. ઢાંકણ ઢાંકી રાખવું. ગુલાબની પાંદડીનો કસ, સુગંધ અને રંગ પાણીમાં આવ્યા બાદ, ગાળીને તેમાં મધ અથવા સાકર ઉમેરી પી શકાય.

 

LEAVE A REPLY