ફાઇલ ફોટો (Photo by SANJAY KANOJIA/AFP via Getty Images)
ચાલીસેક વર્ષ અગાઉ મનોરંજન માટે ટેલિવિઝનનું એક આગવું મહત્ત્વ હતું. તે વખતે દર્શકો ઐતિહાસિક, સાંસ્કૃતિક, ધાર્મિક, પ્રાચીન વિષયો આધારિત સીરિયલોને પણ પસંદ કરતા હતા. ધીરે-ધીરે આવા વિષયક સીરિયલો તરફનું આકર્ષણ ઘટતું ગયું હતું. નવી પેઢીના દર્શકો સાંસ્કૃતિક, ધાર્મિક કે ઐતિહાસિક વારસાથી છૂટા પડી ગયા હતા. રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા જેવા મહાકાવ્યો આધારિત મનોરંજન માત્ર વૃદ્ધો માટે જ હોય તેવું વાતાવરણ સર્જાયું હતું.
જોકે, કોરોનાકાળમાં નવી સીરિયલોનું પ્રોડક્શન અટકી ગયું હતું ત્યારે રામાનંદ સાગર નિર્મિત લોકપ્રિય સીરિયલ ‘રામાયણ’ અને બીઆર ચોપરાની ‘મહાભારત’ એ ટીવી પડદે ફરીથી ધૂમ મચાવી હતી. તે વખતે યુવાનોએ પણ આ પૌરાણિક સીરિયલોને માણી હતી. આ ઉપરાંત નાના પડદે ભગવાન રામ, કૃષ્ણ, શિવ, ગણેશ, ‘જય હનુમાન’, ‘દેવો કે દેવ મહાદેવ’, ‘રાધાકૃષ્ણ’, ‘રામ સિયા કે લવ કુશ’, ‘વિઘ્નહર્તા ગણેશ’, ‘બાલ શિવ’ જેવા અનેક શો રજૂ થયા હતા. રામાયણ અને મહાભારત આધારિત સીરિયલો જુદી જુદી ચેનલો પર વિવિધ રીતે સતત રજૂ થઇ રહી છે.
અયોધ્યામાં શ્રી રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયા પછી હવે આ વર્ષે આવી સીરિયલોનો જમાનો ફરીથી આવી રહ્યો હોય તેવું આયોજન થઇ રહ્યું છે.
આ વર્ષમાં  ટીવી  પર શ્રીમદ્  રામાયણ’ નામથી વધુ એકવાર રામકથા રજૂ થઈ છે. લોકપ્રિયતામાં  અગ્રેસર રહેલો  પૌરાણિક શો  ‘શિવશક્તિઃ તપ, ત્યાગ, તપસ્યા’  પણ આવનારા દિવસોમાં પણ દર્શાવાશે. આ સિવાય પૌરાણિક શો ‘કર્મફલદાતા શનિ’ અને ‘તુલસીધામ કે લડ્ડુ ગોપાલ’ પણ વધુ સમય માટે દર્શાવાશે.
ફિલ્મી પડદે ‘રામાયણ’ રજૂ કરવા માટે નિતેશ તિવારી પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત તાજેતરમાં જ પ્રશાંત વર્મા દિગ્દર્શિત ફિલ્મ ‘હનુમાન’ પણ રીલીઝ થઈ છે.
ડિજિટલ પ્લેટફોર્મ પર એક્શન અને કામોત્તેજક દૃશ્યોથી ભરપૂર સીરિઝો દર્શાવાય છે, હવે તેમાં પણ પૌરાણિક કથાઓ તરફ આકર્ષણ વધ્યું છે. આ પ્લેટફોર્મ પર રજૂ  થયેલી એનિમેટેડ સીરિઝ ‘ધ લીજન્ડ ઓફ હનુમાન’ના બે ભાગ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યા હોવાથી તેની ત્રીજી સીઝન પણ રજૂ થશે. વધુમાં આ માધ્યમ પર મહાભારત આધારિત ભવ્ય સીરિઝ દર્શાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
પૌરાણિક કથાઓ પર આધારિત  ટીવી  સીરિયલો,  ફિલ્મો તેમ જ વેબસીરિઝ  બનાવતાં સર્જકો માને છે કે રામાયણ જેવા શોમાં આપણી સંસ્કૃતિ, આપણા મૂલ્યો અને  ભાવનાઓ સહિત એટલું બધું રજૂ થાય છે કે તે સમયના દરેક તબક્કામાં પ્રાસંગિક બની રહે છે. આ કથાઓ સમયથી પર છે. તેને ચોક્કસ સમયગાળામાં બાંધી ન શકાય.  આધુનિક પેઢી કોઈપણ કથાનક તર્કસંગત ન હોય તો સ્વીકારતી નથી. તેથી પૌરાણિક કથાઓ પણ તર્કસંગત સાથે રજૂ થવી જોઈએ.

LEAVE A REPLY