દેવાના બોજ હેઠળ દટાયેલી ઇટલીની સરકાર તેની પોસ્ટલ સેવાનો અમુક હિસ્સો વેચવાની વિચારણા કરી રહી છે. આ પોસ્ટલ સર્વિસને વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ એક સમયે દેશનો ‘રાજમુગટ’ ગણાવી હતી.
મેલોનીની આગેવાની હેઠળની કટ્ટર જમણેરી સરકારે પોસ્ટ ઇટાલિયનના અમુક હિસ્સાનું વેચાણ કરી 2026 સુધીમાં 20 બિલિયન યુરો ($21.6 બિલિયન) ઊભા કરવાનો ટાર્ગેટ નિર્ધારિત કર્યો છે. રેલ કંપની ફેરોવી ડેલો સ્ટેટો અને એનર્જી જાયન્ટ ઇનીમાં હોલ્ડિંગ સાથે પોસ્ટ ઇટાલિયન આકર્ષક વીમા અને બેંકિંગ બિઝનેસ પણ ધરાવે છે. આ સર્વિસ હવે સરકારની નાણાકીય વ્યૂહરચનાનો હિસ્સો બની છે.
જોકે વિશ્લેષકો માને છે કે પોસ્ટે ઇટાલિયનના અમુક હિસ્સાનું વેચાણથી ઇટલીના દેવાના પહાડને ઘટાડવામાં ભાગ્યે જ કોઇ મદદ મળશે. ઇટલીના માથે 2.8 ટ્રિલિયન યુરો ($3 ટ્રિલિયન) કરતાં દેવું છે, જે કુલ જીડીપીના સંદર્ભમાં યુરોઝોનમાં બીજા ક્રમે સૌથી વધુ છે. ઇટલીનું દેવું તેના જીડીપીના આશરે 140.2 ટકા જેટલું ઊંચું છે.
મેલોનીએ જણાવ્યું હતું કે સરકાર તેનો અંકુશ જાળવી રાખી ખાનગીકરણ કરશે. અમે સરકારી અંકુશ સાથે સમાધાન કર્યા વિના જાહેર કંપનીઓમાં અમુક હિસ્સો વેચી શકીએ છીએ. મેલોનીનું આ નિવેદન 2018થી તદ્દન વિપરિત છે. તે સમયે તેમણે પોસ્ટ ઇટાલિયનના ખાનગીકરણનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે તે દેશનો રાજમુગટ છે.
સરકારે મૂળરૂપે પોસ્ટે ઇટાલિયનમાં 51% બહુમતી રાખવાની યોજના બનાવી હતી, પરંતુ શુક્રવારે નાણા પ્રધાન જિયાનકાર્લો જ્યોર્જેટીએ જણાવ્યું હતું કે સરકારનો હિસ્સો ઘટીને 35% જેટલો નીચો થઈ શકે છે. મેલોનીની સરકારના પગલાનો ઇટલીના વિરોધ પક્ષ વિરોધ કરી રહ્યાં છે.