REUTERS/Stephanie Lecocq

ફ્રાન્સની વિશ્વ પ્રતિષ્ઠિત ફેશન બ્રાન્ડ LVMHના વડા બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિનું બિરુદ ફરીથી મેળવ્યું હતું. ગયા અઠવાડિયે ટેસ્લાના શેરમાં નોંધપાત્ર ઘટાડા પછી ઇલોન મસ્કની સંપત્તિમાં $18 બિલિયનથી વધુનો ઘટાડો થયો થતાં તેમણે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનું પદ ગુમાવ્યું હતું, એમ ફોર્બ્સનો લાઇવ બિલિયોનેર ટ્રેકરમાં જણાવાયું હતું. વિશ્વના સૌથી ધનિક 10 લોકોના લિસ્ટમાં ભારતીય અબજોપતિઓ મુકેશ અંબાણી કે ગૌતમ અદાણીના નામ સામેલ નથી.

આર્નોલ્ટની સંપત્તિમાં તાજેતરમાં 23.6 બિલિયન ડોલરનો ઉમેરો થતા હવે તેમની પાસે 207.6 બિલિયન ડોલરની મિલ્કત છે. ટેસ્લાના માલિક ઈલોન મસ્ક 204.7 બિલિયન ડોલરની નેટવર્થ ધરાવે છે. 2022થી જ ઈલોન મસ્ક અને આર્નોલ્ટ એકબીજાની સાથે સંપત્તિની બાબતમાં હરીફાઈમાં હતા. ગયા વર્ષે આર્નોલ્ટ નંબર વન બની ગયા હતા, પરંતુ ત્યાર પછી ફરીથી મસ્કની સંપત્તિમાં વધારો થવાના કારણે આર્નોલ્ટ બીજા ક્રમે ખસી ગયા હતા.

બર્નાર્ડ આર્નોલ્ટનો પરિવાર LVMH જેવી ફેશન બ્રાન્ડની માલિકી ધરાવે છે અને દુનિયાભરમાં લક્ઝરી ગૂડ્સ વેચે છે.  જેફ બેઝોસ 181.3 અબજ ડોલરની મિલકતના માલિક છે જ્યારે લેરી એલિસન પાસે 142.2 અબજ ડોલર, ફેસબૂકના માર્ક ઝકરબર્ગ પાસે 139.1 અબજ ડોલર અને વોરેન બફેટ પાસે 127.2 અબજ ડોલરની સંપત્તિ છે.

અન્ય લોકોમાં લેરી પેજ 127.1 અબજ ડોલર, બિલ ગેટ્સ 123 અબજ ડોલર, સર્ગેઈ બ્રિન 121.7 અબજ ડોલર અને સ્ટીવ બોલ્મર 118.8 અબજ ડોલરની નેટવર્થ ધરાવે છે. જોકે બ્લૂમબર્ગ બિલિયનર્સ ઈન્ડેક્સ પ્રમાણે મસ્ક હજુ પણ વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ છે અને 199 અબજ ડોલરની નેટવર્થ ધરાવે છે. બ્લૂમબર્ગ મુજબ ઈલોન મસ્ક પછી એમેઝોનના જેફ બેઝોસ સૌથી ધનિક વ્યક્તિ છે અને 184 અબજ ડોલરની મિલ્કત ધરાવે છે.

એક સમયે ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક 10 લોકોની યાદીમાં સામેલ હતા, પરંતુ ત્યાર પછી અદાણી જૂથના શેરોમાં ગયા વર્ષે જે કડાકો આવ્યો તેના કારણે તેઓ ટોપ 20માંથી પણ બહાર નીકળી ગયા હતા.

 

LEAVE A REPLY