PTI photo

ગુજરાતની ધરતી પર પ્રથમ વખત 27-28 જાન્યુઆરીએ યોજાયેલા પ્રતિષ્ઠિત 69મા ફિલ્મફેર એવોર્ડમાં બોલિવૂડની હસ્તીઓ રંગ જમાવ્યો હતો. આ વર્ષે સમારોહ બે દિવસ સુધી યોજાયો હતો. ટેકનિકલ પુરસ્કારો શનિવારે આપવામાં આવ્યા હતા અને અન્ય પુરસ્કારો રવિવારે આપવામાં આવ્યા હતા. એવોર્ડ શોમાં કરીના કપૂર ખાન, રણબીર કપૂર, વરુણ ધવન, જ્હાન્વી કપૂર, કાર્તિક આર્યન અને સારા અલી ખાને ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યા હતા.

ગાંધીનગરના ગિફ્ટી સિટી ખાતે 15,000 લોકોની વિશાળ મેદની વચ્ચે હિન્દી સિનેમાના સિતારાઓએ ‘કેમ છો ગુજરાત?’ પૂછીને લોકોના દિલ જીતી લીધા હતા. 27 જાન્યુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં કર્ટેન રેઝર ઈવેન્ટ યોજાઈ અને 28 જાન્યુઆરી ગિફ્ટ સિટી ખાતે અવોર્ડ સેરેમની યોજાઈ હતી.

આ અવોર્ડ શોના હોસ્ટ કરણ જોહર અને આયુષ્માન ખુરાના હતા. તેઓ ફૂલો અને એલઈડી લાઈટથી શણગારેલા છકડામાં બેસીને સ્ટેજ સુધી આવ્યા હતા. મનીષ પોલે પણ શો કો-હોસ્ટ કર્યો હતો.

કાર્તિક આર્યનના પર્ફોર્મન્સથી ઈવેન્ટની શરૂઆત થઈ હતી. તેણે ‘પઠાણ’થી માંડીને ‘ગદર 2’ના ગીતો પર પર્ફોર્મ કર્યું હતું. સિલ્વર રંગના ડિસ્કો બોલમાં વરુણ ધવનની સ્ટેજ સુધી એન્ટ્રી થઈ હતી. વરુણ ધવને પ્રથમ હરોળમાં બેઠેલા માતાપિતાના આશીર્વાદ લઈને પર્ફોર્મન્સ પૂરું કર્યું હતું. વરુણના પિતા અને ફિલ્મમેકર ડેવિડ ધનને લાઈફટાઈમ અચિવમેન્ટ અવોર્ડ આપવામાં આવ્યો હતો. એવોર્ડ સ્વીકારતી વખતે તેમણે એડિટરથી ડાયરેક્ટર સુધીની પોતાની સફર વાગોળી હતી.

લોકનૃત્ય શીખવતા કોરિયોગ્રાફર અંકુર પઠાણના ગ્રુપમાં સામેલ ભૂજથી અમદાવાદ સુધીના ડાન્સરોએ કાર્યક્રમમાં કરીના કપૂર ખાન સહિતના સેલેબ્સ જોડે ગરબા કર્યા હતા. શનિવારની ઈવેન્ટમાં કેટલાય પર્ફોર્મન્સ થયા હતા. આ શો અપારશક્તિ ખુરાના અને કરિશ્મા તન્નાએ કો-હોસ્ટ કર્યો હતો. શનિવારની સાંજે કોરિયોગ્રાફર ગણેશ આચાર્યનું પણ પર્ફોર્મન્સ થયું હતું. તેમણે ‘વોટ ઝુમકા?’ ગીત પર કરણ જોહર સાથે ડાન્સ કર્યો હતો. ગણેશ આચાર્યને ‘રોકી ઓર રાની કી પ્રેમકહાની’ માટે અવોર્ડ મળ્યો હતો.

શનિવારના કાર્યક્રમનો અંત ફેશન સેગમેન્ટ સાથે થયો હતો જેમાં ડિઝાઈનર આઉટફિટ પહેરીને આવેલી જ્હાન્વી કપૂર કારમાંથી ઉતરી હતી.

સારા અલી ખાન અને જાહ્નવી કપૂરે ગ્લેમરસ બ્લેક ગાઉન પહેર્યું હતું. કલાકારોએ એવોર્ડમાં પર્ફોર્મન્સ આપતાં સ્ટેજને પણ આગ લગાવી દીધી હતી. કરીના કપૂર અને કરિશ્મા કપૂરે ડિઝાઇનર સાડીઓમાં રેડ કાર્પેટ પર સોલો વોક કર્યું હતું. રેડ કાર્પેટ પર પોઝ આપતાં રાજકુમાર રાવ પણ ખૂબ જ આકર્ષક દેખાતા હતા. ફરદીન ખાન રેડ કાર્પેટ પર પણ હાજરી આપી હતી.

LEAVE A REPLY