REUTERS/Ciro De Luca

ભારતના પીઢ ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ તેના ઓસ્ટ્રેલિયન સાથી મેથ્યુ એબ્ડેન સાથે ગયા સપ્તાહે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસની પુરૂષોની ડબલ્સમાં ફાઈનલમાં ઈટાલીના સિમોન બોલેલી અને એન્ડ્રીઆ વાવાસોરીને સંઘર્ષપૂર્ણ જંગમાં સીધા સેટ્સમાં 7-6 (0), 7-5 થી હરાવી 43 વર્ષની વયે ગ્રાંડ સ્લેમ ડબલ્સનું ટાઈટલ હાંસલ કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો. સૌથી મોટી વયે ગ્રાંડ સ્લેમ ટાઈટલ વિજેતા તરીકેનો અગાઉનો રેકોર્ડ નેધરલેન્ડ્સના જીન-જુલિયન રોજરના નામે હતો, તેણે 40 વર્ષની વયે પુરૂષોની ડબલ્સનું ટાઈટલ હાંસલ કર્યું હતું.

રોહન બોપન્ના માટે ગયું સપ્તાહ એકથી વધુ રીતે અત્યંત યાદગાર બની રહ્યું હતું. ગુરૂવારે (25 જાન્યુઆરી) તેને પદ્મશ્રી એવોર્ડ જાહેર કરાયો હતો, તો એક દિવસ પછી તેણે પોતાનું પહેલું પુરૂષોની ડબલ્સનું ગ્રાંડ સ્લેમ ટાઈટલ હાંસલ કર્યું હતું. અને સોમવારે તેણે ટેનિસના એટીપી રેન્કિંગ્સમાં ડબલ્સમાં વર્લ્ડ નં. 1 નો ક્રમ હાંસલ કર્યો હતો.

જો કે, રોહન બોપન્નાએ આ અગાઉ 2017માં તેણે કેનેડાની ગેબ્રીએલા ડેબ્રોવ્સ્કી સાથે ફ્રેન્ચ ઓપનનું મિક્સ્ડ ડબલ્સનું ટાઈટલ પણ હાંસલ કર્યું હતું. રોહન ભારતના ટોપના ટેનિસ સ્ટાર્સ મહેશ ભૂપતિ તેમજ લીએન્ડર પેસ સાથે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચૂક્યો છે.

LEAVE A REPLY