વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનું દૃશ્ય (ANI Photo)

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના તાજેતરના રીપોર્ટમાં ખુલાસો થયો છે કે ઉત્તરપ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં એક વિશાળ હિંદુ મંદિરના માળખાનું અસ્તિત્વ હોવાના સંકેત મળે છે. એમ સરવે રીપોર્ટના આધારે હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને ગુરુવારે જણાવ્યું હતું. અગાઉ એએસઆઇએ આ સ્થળ પર મંદિર હતું કે નહીં તેની ચકાસણી કરવા સરવે કર્યો હતો. એએસઆઇના રીપોર્ટના આધારે વિશ્વહિન્દુ પરિષદે આ સ્થળની માગણી કરી હતી.

રિપોર્ટમાં જણાવાયું છે કે આ મસ્જિદ નીચે પણ અસલમાં એક હિંદુ મંદિર હતું. આ ઈમારતમાં ગુંજબ મસ્જિદનું છે પરંતુ તેની દિવાલોનો ઘણો ભાગ મંદિરોનો છે. અહીં અગાઉથી જે સ્ટ્રક્ચર હતું તેને 17મી સદીમાં તોડી પડાયું હતું. હાલનું માળખું બનાવવામાં આવ્યું તે અગાઉ ત્યાં એક મંદિર હતું.

હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું છે કે એએસઆઈનો રિપોર્ટ એકદમ સ્પષ્ટ અને સંપૂર્ણ છે. સરવેમાં એ બાબતની પુષ્ટિ થઈ છે કે અગાઉ ત્યાં હિંદુ મંદિર હતું. 17મી સદીમાં તેમાં તોડફોડ કરવામાં આવી હતી અને તેના એક ભાગને મોડીફાઈ કરીને ફરીથી ઉપયોગ કરાયો હતો.

એએસઆઈએ રિપોર્ટમાં નોંધ્યું છે કે મસ્જિદમાંથી અરેબિક પર્શિયન ભાષામાં લખાયેલું કોતરકામ મળી આવ્યું છે. તેમાં જણાવાયું છે કે ઔરંગઝેબના શાસનના 20મા વર્ષમાં મસ્જિદ બની હતી. તેથી અગાઉ અહીં જે માળખું હતું તે 17મી સદીમાં તોડવામાં આવ્યું હોય તેવી શક્યતા છે.

રિપોર્ટ પ્રમાણે મસ્જિદ બનાવવા માટે હિંદુ મંદિરોના સ્થંભનો ઉપયોગ થયો હતો. આ ઉપરાંત એક ભોંયરામાં પણ હિંદુ મંદિરોના પૂરાવા મળ્યા છે. આ મસ્જિદની પશ્ચિમ તરફ આવેલી દિવાલ એ હિંદુ મંદિરનો ભાગ છે અને ઔરંગઝેબના આદેશ પર આ દિવાલ તોડવામાં આવી હતી. ત્યાર પછી મંદિરના જે અવશેષ બચ્યા હતા તેનો ઉપયોગ કરીને મસ્જિદ ઉભી કરવામાં આવી હતી.

અગાઉ વારાણસી કોર્ટે બુધવારે જણાવ્યું કે જ્ઞાનવાપી મસ્જિદ કોમ્પ્લેક્સ અંગે ASI સરવે રિપોર્ટ હિંદુ અને મુસ્લિમ બંને પક્ષોને આપવામાં આવશે. આ મસ્જિદ કોમ્પ્લેક્સ કાશી વિશ્વનાથ મંદિરની નજીક બનાવવામાં આવેલું છે.

આ મસ્જિદના પ્રાંગણમાં એક વજુખાના આવેલું છે જેને 2022માં સુપ્રીમ કોર્ટના આદેશથી સીલ કરવામાં આવ્યું હતું. હિંદુ પક્ષનું કહેવું હતું કે અહીં એક શિવલિંગ હતું જ્યારે મુસ્લિમોનું કહેવું છે કે અહીં ફુવારો હતો. તેનાથી અગાઉ ડિસેમ્બર 2019માં અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ મસ્જિદ પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ હેઠળ આવતી નથી. આ કાયદા હેઠળ જે સ્થળે મંદિર અથવા મસ્જિદ જે સ્થિતિમાં છે તેમાં જ રાખવામાં આવશે અને કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

ત્યાર પછી 2020માં આ કાયદાને ચેલેન્જ કરવામાં આવ્યો હતો. કાયદાને પડકારનારા પક્ષોનું કહેવું હતું કે કેન્દ્ર સરકાર પાસે આવો કાયદો બનાવવાનો કોઈ અધિકાર નથી. આ કાયદો બનાવતી વખતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવી હતી. નરસિંહા રાવ સરકારે કાયદો ઘટ્યો ત્યારેની સ્થિતિ અલગ હતી અને હવે સ્થિતિ અલગ છે.

LEAVE A REPLY