જાપાનના સોની ગ્રુપ કોર્પોરેશને જાહેરાત કરી હતી તેને તેના ભારતીય યુનિટનું ઝી એન્ટરટેઈનમેન્ટ સાથેનું 10 બિલિયન ડોલરની મર્જર ડીલ રદ કરી છે. મર્જ્ડ એન્ટિટીનું સુકાન કોણ સંભાળશે તે મામલે વિવાદનો અંત ન આવતા સોનીએ આ પગલું લીધું હતું. સોની ગ્રુપે ઝીને ડીલ રદ કરવા અંગેની ટર્મિનેશન નોટિસ મોકલી હતી. તેને ઝી પાસે મર્જર નિયમો-શરતોનો ભંગ કરવા બદલ 9 કરોડ ડોલરની ફીની માગણી પણ કરી છે, જેને ઝીએ કોર્ટમાં પડકારી હતી.
ઝી એન્ટરટેઈનમેન્ટે નિયમનકારી માહિતીમાં સોની ગ્રુપે કરેલા આક્ષેપોને નકારીને જણાવ્યું હતું કે તે કાનૂની વિકલ્પો વિચારી રહી છે. મર્જર જળવાય તે માટે તેને બનતા તમામ પ્રયાસ કર્યા હતાં તેને કારણે ઝીને પણ ઘણું નુકસાન થયું છે. ઝીના સીઈઓ પુનિત ગોયેન્કા સામે ફ્રોડ સહિતના આક્ષેપોને પગલે સેબીએ મહત્વના પદ પર ન રહેવાનો આદેશ કર્યો હતો. જોકે તેમ છતાં ઝી ગોયેન્કાને જ નવી મર્જ્ડ એન્ટિટીના સીઈઓ નિયુક્ત કરવા માગતી હતી, જેનો સોનીએ વિરોધ કર્યો હતો.
સોની અને ઝી વચ્ચે ડીલ પાર પડ્યું હોત તો તે ભારતીય મીડિયા-એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રે સૌથી મોટુ મર્જર સાબિત થયું હોત અને તેમની સંયુક્ત રીતે કુલ 70થી વધુ ટીવી ચેનલો, બોલિવૂડ સ્ટુડિયો અને ખાસ્સી મજબૂત ફિલ્મ લાઈબ્રેરી થઈ હોત અને નેટફ્લિક્સ તથા એમેઝોન જેવી જાયન્ટ કંપનીઓ સામે સ્પર્ધા કરી શકી હોત.
આ મર્જરની જાહેરાત 22 ડિસેમ્બર, 2021માં થઈ હતી. સોની-ઝી ડીલને ઓગસ્ટ મહિનામાં રેગ્યૂલેટર્સ તરફથી મંજૂરી મળી ગઈ હતી અને આ મર્જરથી 10 અબજ ડોલરના મૂલ્યની જાયન્ટ કંપની રચાવાની હતી. સોનીનો તેમાં 50.86 ટકા હિસ્સો થવાનો હતો, જ્યારે ઝીના ગોયેન્કા ફેમિલીનો 3.99 ટકા હિસ્સો રહેવાનો હતો. પરંતુ હવે તે ડીલ હવે ફોક થઈ છે.
આ મર્જર બે વર્ષના સમયગાળામાં પાર પાડી લેવાનું હતું. આ સમયમર્યાદા પૂરી થઈ ગયા પછી પણ એક મહિનાનો વધુ સમય લંબાવવાનો નિર્ણય લેવાયો હતો. તેમ છતાં મર્જર પાર ન પડતા અંતે આ મર્જર રદ કરી દેવાયું હતું. ઝી એન્ટરટેઈનમેન્ટની નાણાકીય કામગીરી નબળી પડી છે અને તેનો નફો ઘટી રહ્યો છે. વધતો ખર્ચ અને એડવર્ટાઈઝમેન્ટમાં આવકમાં થતા ઘટાડાને કારણે તેની સમસ્યા વધી છે. ઝીએ ડિઝની-સ્ટાર સાથે ક્રિકેટ ઈવેન્ટ્સ માટેના ટીવી બ્રોડકાસ્ટિંગ અધિકારો સામે પણ હવે જોખમ ઊભું થયું છે. કારણ કે આ ડીલ પેટે તેણે 1.32-1.44 અબજ ડોલરની રકમ ચૂકવવાની છે.
ડીલ રદ થઈ જતા હવે ઝી એન્ટરટેઈનમેન્ટે સ્પર્ધા સામે ટકી રહેવા માટે નવી સ્ટ્રેટજી અપનાવવી પડશે. કારણ કે મીડિયા ક્ષેત્રે બીજી તરફ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને વોલ્ટ ડિઝની કંપની વચ્ચે પણ મર્જરની સંભાવના દર્શાવાઈ રહી છે.