બિહારના બે વખતના મુખ્યપ્રધાન અને ઓબીસી રાજનીતિના પ્રણેતા કર્પૂરી ઠાકુરને મરણોપરાંત દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારતરત્નથી નવાજવામાં આવશે. કર્પૂરી ઠાકુરની જન્મ શતાબ્દીની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિભવન ગુરુવારે આ અંગેની જાહેરાત કરી હતી. રાજનીતિના વિશ્લેષકો માને છે કે લોકસભાની ચૂંટણી પહેલા ઓબીસી મુદ્દાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણય કર્યો છે.
કર્પુરી ઠાકુર એવા પ્રથમ બિન-કોંગ્રેસી સમાજવાદી નેતા હતા, જેઓ બે વાર મુખ્યમંત્રી બન્યાં હતા. ડિસેમ્બર 1970માં સાત મહિના માટે અને પછી 1977માં બે વર્ષ માટે તેઓ બિહારના સીએમ હતા. જન નાયક તરીકે ઓળખાતા કર્પુરી ઠાકુર ભારતરત્ન મેળવનારા 49મા વ્યક્તિ છે. આ પુરસ્કાર છેલ્લે 2019માં સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને એનાયત કરાયો હતો.
24 જાન્યુઆરી, 1924એ નાઈ સમાજમાં જન્મેલા ઠાકુરને બિહારના રાજકારણમાં 1970માં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધનો શ્રેય આપવામાં આવે છે. સમસ્તુપુર જિલ્લામાં જ્યાં તેમનો જન્મ થયો હતો તે ગામને કર્પુરી ગ્રામ નામ આપવામાં આવ્યું હતું. ઠાકુરે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે ભાગ લેવા માટે કોલેજનું શિક્ષણ છોડી દીધું હતું તથા ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા બદલ ધરપકડ થઈ હતી.
તેઓ રામ મનોહર લોહિયા જેવા સમાજવાદી નેતાઓથી પ્રેરિત હતા. મુંગેરી લાલ કમિશન ભલામણોને આધારે રાજ્યમાં પછાત વર્ગ માટે અનામતનો અમલ કરવા માટે તેમના કાર્યકાળને સૌથી વધુ યાદ કરવામાં આવે છે. આ કમિશન પછી મંડલ પંચની રચના થઈ હતી.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે વંચિતોના ઉત્થાન માટેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને તેમના દૂરંદેશી નેતૃત્વએ ભારતના સામાજિક-રાજકીય તાણાવાણા પર અમીટ છાપ છોડી છે. આ પુરસ્કાર માત્ર તેમના નોંધપાત્ર યોગદાનને જ સન્માનિત કરતો નથી, પરંતુ વધુ ન્યાયી સમાજ બનાવવાના તેમના મિશનને ચાલુ રાખવા માટે અમને પ્રેરણા પણ આપે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ જાહેરાતની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તેમની પાર્ટી જેડી(યુ)ની સૌ જૂની માંગ પૂરી થઈ છે.