ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં વધુ ગાઢ બનશે તેના પર ભાર મૂકીને અમેરિકા સ્થિત ભારતીય રાજદૂત તરનજિત સિંહ સંધુએ શનિવારે જણાવ્યું હતું કે યુએસ-ભારત સંબંધો માત્ર બે દેશો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના હિત માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંધુ 35 વર્ષના યશસ્વી કાર્યકાળ પછી આ મહિનાના અંત ભાગમાં ભારતીય વિદેશ સેવામાંથી નિવૃત થઈ રહ્યાં છે.
આશરે 200 પ્રતિષ્ઠિત ઇન્ડિયન અમેરિકનોના એક ગ્રૂપને સંબોધતા સંધુએ તેમને અનુરોધ કર્યો હતો કે બીજી પેઢી ભારત સાથે જોડાયેલી રહે અને તેઓ વારંવાર દેશનો પ્રવાસ કરે તે તેઓ સુનિશ્ચિત કરે. અહીં અમેરિકામાં અન્ય ઘણા સમુદાયોની જેમ, તમે તમારા સંગઠનો દ્વારા, તમારા જૂથો દ્વારા આ સુનિશ્ચિત કરી શકો છો. જો બાળકોની સુરક્ષા અંગે કોઈ સમસ્યા હોય, તો હું તમને ખાતરી આપી શકું છું કે એમ્બેસી અને કોન્સ્યુલેટ તમને મદદ કરશે. અમે એક વ્યવસ્થા ગોઠવીશું, જે ફૂલપ્રૂફ હોય. બાળકો ભારત જાય છે ત્યારે તેમને સપોર્ટ મળી રહે. બાળકોને ભારતમાં મોકલો કારણ કે આવતીકાલે તેઓ એક અનોખી સ્થિતિમાં હશે. જો તેઓ ભારતને સારી રીતે જાણશે તો ભારતમાં સ્થળાંતરિત થઈ રહેલી મોટાભાગની આંતરરાષ્ટ્રીય કંપનીઓ તેમને રોજગારી આપશે.
ભારત-અમેરિકાના સંબંધો અંગે જણાવ્યું હતું કે હેલ્થકેર હોય કે ઉર્જા હોય કે પછી ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સ, ઇનોવેશન, નવી ઉભરતી ટેકનોલોજી હોય યુએસ-ભારત સંબંધો નિશ્ચિતપણે ગાઢ બનશે.
ન્યૂયોર્ક, શિકાગો, હ્યુસ્ટન, એટલાન્ટા અને સાન ફ્રાન્સિસ્કો પછી સિએટલમાં છઠ્ઠુ ઇન્ડિયન કોન્સ્યુલેટ ખોલવામાં સંધુએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે યુએસમાં ટૂંક સમયમાં વધુ બે ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની પણ જાહેરાત કરી હતી.
બે કલાકથી વધુ સમય સુધી ચાલેલા વર્ચ્યુઅલ વિદાય સમારંભ દરમિયાન ઇન્ડિયન અમેરિકનોએ રાજદૂતના નેતૃત્વ અને તેમના કાર્યકાળ દરમિયાન ભારત-યુએસ સંબંધોમાં થયેલી પ્રગતિની ભરપૂર પ્રશંસા કરી હતી. શિકાગોના સ્પાન ટેકના પ્રેસિડેન્ટ સ્મિતા શાહે જણાવ્યું હતું કે રાજદૂત સંધુના કાર્યકાળમાં સંબંધો ગાઢ બન્યાં છે. ઇન્ડિયાના સ્થિત ઉદ્યોગપતિ રાજુ ચિંતાલાએ જણાવ્યું હતું કે સંધુના કાર્યકાળ તેમની શ્રેષ્ઠ મુત્સદ્દીગીરી જોવા મળી છે. “રાજદૂત સંધુ, તમને નિષ્ઠાપૂર્વક યાદ કરાશે તથા તમારી મિત્રતા અને સહયોગનો વારસો ટકી રહેશે. અમે તમારા ભવિષ્યના પ્રયત્નો માટે શુભેચ્છાઓ આપીએ છીએ. અમને વિશ્વાસ છે કે તમારું યોગદાન અમારા યુએસએ અને ભારત વચ્ચેના સંબંધોને આકાર આપવાનું ચાલુ રાખશે.”
સિલિકોન વેલીના અજય જૈન ભુટોરિયાએ જણાવ્યું હતું કે સંધુ એક પ્રખર રાજદ્વારી રહ્યાં છે. તેમના નેતૃત્વએ યુએસ-ભારત સંબંધોને અભૂતપૂર્વ ઊંચાઈ પર લઈ જવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.