અયોધ્યામાં સોમવાર, 22 જાન્યુઆરીએ રામજન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સમગ્ર દેશ રામભય બન્યો હતો અને ઠેર ઠેર મેરે રામ આયેંગેની ભકિતગીતો વગાવવામાં આવ્યો હતો. દેશના દરેક શહેર, ગામડા સહિતના દરેક સ્થળોએ આ ભવ્ય પ્રસંગની ઉજવણી માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
બે દિવસ પહેલા સમગ્ર અયોધ્યા નગરી રામમય બની હતી. એક સરકારની બેન્કની નવી શાખાનું નામ ‘રામજન્મભૂમિ’ શાખા આપવામાં આવ્યું હતું અને અહીં રામંદિરની આકર્ષક તસ્વીર સાથેનું વિશાળ હોર્ડિંગ મૂકવામાં આવ્યું છે. રામપથની બાજુમાં આવેલા એક પુનઃવિકાસિત માર્ગને રામજન્મભૂમિ પથ નામ આપવામાં આવ્યું છે. નવનિર્મિત અયોધ્યા ધામ રેલવે સ્ટેશન નજીક બીજી એક બેન્કે પણ વિશાળ હોર્ડિંગ લગાવ્યું છે જેમાં લખ્યું છે કે ‘અયોધ્યા નગરી મે આપકા સ્વાગત હૈ’. વિવિધ વેપારીઓના વિઝિટિંગ કાર્ડ્સ, પોસ્ટરો, કૅલેન્ડર્સ અને સાઈનેજ પર પણ રામમંદિરની તસ્વીરો છે. શહેરમાં પોસ્ટરો લગાડતી દરેક કંપનીએ એક યા બીજી રીતે રામ મંદિરનું ચિત્રણ કર્યું છે. સમગ્ર અયોધ્યાના મંદિરો, બસો, શેરીઓ અને મોબાઈલ ફોનની કોલર ટ્યુન પણ રામમય બની છે.
સમગ્ર અમેરિકાના સેંકડો હિન્દુ મંદિરો અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવા માટે સજ્જ બન્યા હતાં. અને તેમાં હજારો ભારતીય અમેરિકનો શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં હાજરી આપે તેવી શક્યતા છે. હિન્દુ યુનિવર્સિટી ઓફ અમેરિકા, ટેક્સાસના શ્રી સીતારામ ફાઉન્ડેશન સહિતના સંગઠનોએ મંદિરોમાં સુંદરકાંડ,નૃત્ય, ગાયન અને સંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની તૈયારી ચાલુ કરી છે.
આ મહોત્સવની ઉજવણી કરવા માટે કેન્દ્ર સરકારે અડધા દિવસની મોટાભાગના રાજ્યોએ પણ તેના કર્મચારીઓ માટે રજાની જાહેરાત કરી હતી. દિલ્હી સરકારની ઓફિસો પણ 22 જાન્યુઆરીએ અડધા દિવસ માટે બંધ રહેશે. દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને કારણે 22 જાન્યુઆરીએ દિલ્હીની તમામ સરકારી કચેરીઓ, નાગરિક સંસ્થાઓ અને અન્ય ઉપક્રમો માટે અડધા દિવસની રજાને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી સરકારી ઓફિસો બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે તેમણે જણાવ્યું હતું કે ભગવાન રામ 550 અપમાનજનક વર્ષો પછી ઘરે પરત ફરશે. આ સમગ્ર ભારત માટે ગર્વની વાત છે. તે એવા સમયે થઈ રહ્યું હતું કે જ્યારે દેશ મહાસત્તા બનવાની તૈયારીમાં છે.
અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક દિવસ પહેલા આરએસએસના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે રામ લલ્લાનો તેમની જન્મભૂમિમાં પ્રવેશ અને મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ સાથે ભારતવર્ષના પુનર્નિર્માણ અભિયાનની શરૂઆત થાય છે, જે સંવાદિતતા, એકતા, પ્રગતિ, શાંતિ અને સૌના કલ્યાણ માટે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલા એક લેખમાં ભાગવતે અયોધ્યામાં મંદિરના નિર્માણ માટે હિંદુ સમાજના લાંબા સંઘર્ષનો ઉલ્લેખ કર્યો અને હવે આ વિવાદ પર સંઘર્ષ અને કડવાશનો અંત લાવવાનું આહ્વાન કર્યું હતું.