વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રામાણિકતાના મહત્ત્વ પર ભાર મૂકીને શાસનના ભગવાન રામના સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો હતો અને લોકોને 22 જાન્યુઆરીએ રામ જ્યોતિ પ્રગટાવવાનું આહ્વાન કર્યું હતું, જે લોકોના જીવનમાંથી ગરીબી નાબૂદીની એક પ્રેરણા બનશે. અયોધ્યાને દુનિયાનું સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક ધામ બનાવાશે. સમગ્ર વિશ્વ બાવીસ જાન્યુઆરીએ રામમંદિરમાંની પ્રાણપ્રતિષ્ઠાની ઐતિહાસિક ક્ષણની કાગડોળે રાહ જોઈ રહ્યું છે. બધા માટે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા આવવું અશકય છે અને તેથી તે દિવસે બધાએ ઘરે દીવા (શ્રી રામ જ્યોતિ) પ્રગટાવવા અને બાદમાં અયોધ્યા દર્શનાર્થે આવવું.
મોદીએ ભારતને વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રોમાં ભારતનો સમાવેશ કરવાનું પણ ફરી વચન આપ્યું હતું અને તેને મોદી ગેરંટી ગણાવી છે. તેઓ તેમના ત્રીજા કાર્યકાળમાં લોકોના સમર્થન સાથે આ લક્ષ્ય પૂર્ણ કરવા માગે છે.
સોલાપુરમાં એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રમાં PMAY-અર્બન હેઠળ 90,000થી મકાનોનું લોકાર્પણ કરતાં વડાપ્રધાન મોદી ભાવુક થયા હતા અને જણાવ્યું હતું કે તેઓ આ ઉદ્દેશ સાથે વ્યક્તિગત જોડાણ ધરાવે છે, કારણ કે તેમને પણ યુવાનીમાં આવા ઘરમાં રહેવાની ઇચ્છા થતી હતી. તેમણે કાર્યક્રમ દરમિયાન શેરી વિક્રેતાઓ માટે માઇક્રો ક્રેડિટ લોન સુવિધા PM-સ્વનિધિના 10,000 લાભાર્થીઓને પ્રથમ અને બીજા હપ્તાઓના વિતરણનું પણ કર્યું હતું.