ભારતની અને એર ઇન્ડિયાની પ્રથમ અત્યાધુનિક એરબસ એ350 વિમાનનું તાજેતરમાં નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ હૈદરાબાદ ખાતે લોકાર્પણ કર્યું હતું. આ અંગે એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડાયરેક્ટર કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, “એરબસ A350 એર ઈન્ડિયા માટે ગેમ ચેન્જર છે. જે અમારા પ્રવાસી માટે ફક્ત નવો અનુભવ જ નહીં પરંતુ નવા રૂટનો પણ પ્રારંભ કરાવશે. 2024ના મધ્યમાં આ એરક્રાફ્ટનું સંચાલન શરૂ થશે, જે સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.”
એર ઇન્ડિયાના કાફલામાં એરબસ A350નું આગમન કંપની માટે ઝડપી વૃદ્ધિ અને પરિવર્તનના સમયગાળા સાથે અનુરૂપ છે. તાતા ગ્રુપના નેતૃત્વ હેઠળ, એરલાઇન વ્યાપક પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે, એર ઇન્ડિયાનો હેતુ તેના કાફલામાં વિમાનોનું નવીનીકરણ કરવું, તેના વૈશ્વિક નેટવર્કનું વિસ્તરણ કરવું, તેની સર્વિસમાં વધારો કરવો અને વિશ્વમાં હવાઇ મુસાફરીના ક્ષેત્રમાં એર ઇન્ડિયાને ફરીથી અગ્રેસર તરીકેનું સ્થાન અપાવવાનો છે.
આ એરબસ એ350 રોલ્સ-રોયસ ટ્રેન્ટ XWB એન્જિનોથી સજ્જ છે, તેનાથી અનેક પર્યાવરણીય લાભો મળશે અને પ્રવાસીઓને શ્રેષ્ઠત્તમ આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવશે. તેની ક્ષમતા 18 હજાર કિલોમીટર સુધીની હોવાથી ભારતથી અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં નોન-સ્ટોપ મુસાફરી થઇ શકશે.
આ ઉપરાંત A350માં વિશાળ કેબિન, મોટી બારી, મૂડ લાઇટિંગ અને આધુનિક મનોરંજન સીસ્ટમ્સ ઉપલબ્ધ હોવાથી પ્રવાસીઓ આરામદાયક મુસાફરીનો અનુભવ કરી શકશે. એર ઈન્ડિયાના A350-900માં ત્રણ-વર્ગના કેબિન ક્ષેત્રોમાં 316 બેઠકો છે.
જ્યારે બિઝનેસ કલાસમાં 1-2-1 મુજબ 28 ખાનગી સ્યુટ્સ છે. જેમાં બટનના એક સ્પર્શથી સ્યુટ ખુરશીઓ પૂર્ણ કદની પથારીમાં રૂપાંતરિત થશે. દરેક સ્યુટમાં વ્યક્તિગત કપડા અને ઈલેક્ટ્રોનિક સાધનો, દર્પણ, વિવિધ સુવિધાઓ અને પગરખા રાખવા માટે પૂરતી પર્યાપ્ત જગ્યા આપવામાં આવી છે. 21 ઇંચનું એચડી ટચસ્ક્રીન અને વીડિયો હેન્ડસેટ દ્વારા વૈશ્વિક અને આધુનિક મનોરંજન માણી શકાશે. આ ઉપરાંત મોબાઇલ અને ઇલેકટ્રોનિક્સ સાધનો ચાર્જ કરવા માટે યુનિવર્સલ A/C અને USB-Aની સુવિધા આપવામાં આવી છે.
હૈદરાબાદમાં યોજાયેલા વિંગ્સ ઇન્ડિયા 2024 દરમિયાન ઉપરાંત એર ઇન્ડિયા દ્વારા ઉડ્ડયન ક્ષેત્રે ગુરુગ્રામમાં સાઉથ એશિયાનું સૌથી મોટું ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ મહિને છ લાખ ચોરસ ફુટ જગ્યામાં શરૂ થનારા આ સેન્ટરમાં એર બસ અને બોઇંગ જેવા વિમાનોના પાયલટસને ટ્રેનિંગ આપવા માટે 20થી વધુ સિમ્યુલેટર્સ હશે. આ ટ્રેનિંગ સેન્ટરમાં આવનારા થોડા વર્ષોમાં 50 હજારથી વધુ એવિએશનને પ્રોફેશનલ્સને તાલિમ આપવામાં આવશે.