હિંદુ ધર્મના ઇતિહાસમાં આગામી સોમવાર, 22 જાન્યુઆરી 2024નો દિવસ સુવર્ણ અક્ષરોમાં અંકિત થશે. આ પવિત્ર દિવસે આશરે 500 વર્ષ પછી ભગવાન શ્રીરામનું બાળસ્વરૂપ અયોધ્યામાં તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે. શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે વિશ્વભરના હિન્દુઓની વર્ષોજૂની આતુરતાનો અંત આવશે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રાજદૂતો અને સાંસદો સહિત 55 દેશોના લગભગ 100 વડાઓને આમંત્રણ અપાયું છે.
રામમંદિરમાં રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવાનો સમય 22 જાન્યુઆરી 2024ના રોજ સવારે 12:29થી 12:30 સુધીનો રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ સમય હશે. અયોધ્યામાં આ માટે વહીવટીતંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. 22 જાન્યુઆરીએ માત્ર આમંત્રણપત્ર ધરાવતા લોકો જ અયોધ્યા જઈ શકશે. આ દિવસે અયોધ્યા એરપોર્ટ પર 100થી વધુ વિમાનો ઉતરવાની સંભાવના છે.
આ કાર્યક્રમમાં આમંત્રિત અતિથિઓ ઉપરાંત દેશભરમાંથી પાંચ લાખ જેટલા લોકો આવવાનો અંદાજ છે, ત્યારે તેમના રોકાણ અને ભોજન માટે મોટા પાયા પર વ્યવસ્થા કરાઇ છે. અયોધ્યામાં પતરાનું એક આખું નગર ઉભું કરાયું છે, જેને તીર્થક્ષેત્રપુરમ નામ અપાયું છે. આ નગરમાં સૂવા માટે બેડ તેમજ બાથરૂમ અને શૌચાલય સહિતની સુવિધાઓ છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ભલે 22મી જાન્યુઆરીએ થશે, જો કે આ માટેની ધાર્મિક વિધિઓ મકરસંક્રાન્તિ પછી તરત જ શરૂ થઈ જશે. જેમાં જુદા જુદા ધર્મ અને સંપ્રદાયોના ચાર હજાર જેટલા સંતો આમંત્રિત કરાયા છે.
સમગ્ર અયોધ્યામાં, શેરીઓ, મહોલ્લાઓ અને દિવાલોને આકર્ષક ડિઝાઇનથી શણગારવામાં આવી રહી છે. બીજી તરફ કાર્યક્રમમાં આવનાર લોકોને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. દેશના વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં રામજન્મભૂમિ આંદોલનના અગ્રણી લાલકૃષ્ણ અડવાણી મુખ્ય છે.
રામ મંદિર ટ્રસ્ટે તૈયાર કરેલી મહેમાનોની યાદીમાં રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો, અભિનેતાઓ અને લશ્કરી અધિકારીઓના નામ પણ સામેલ છે. અન્ય આમંત્રિતોમાં દલાઈ લામા, બાબા રામદેવ, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી તેમજ ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન, રજનીકાંત, માધુરી દીક્ષિત નેને, રણબીર કપુર-આલિયા ભટ્ટ, જેકી શ્રોફ, રણદીપ હુડ્ડા જેવા જાણીતા કલાકારોનો સમાવેશ થાય છે. આ યાદીમાં ટાટા ગ્રુપ અને એલએન્ડટી જેવી કંપનીઓના વડાઓના નામ પણ સામેલ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ 22 જાન્યુઆરીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની યાત્રાને લઈને ઘણા પ્રોટોકોલ સંભાળવાના હોય છે, તેથી તેઓ આ મહોત્સવમાં હાજરી નહીં આપી શકે. છે. જો કે બંને રામ મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા કર્યા બાદ અનુકૂળ તારીખે અયોધ્યા આવશે.
ભગવાન રામ જયારે પોતાના મંદિરમાં બિરાજશે એ સમયે સમગ્ર દેશના મુખ્ય મંદિરો અને તીર્થ સ્થાનો પણ રામમય જોવા મળશે. અહીં પણ રામની પરંપરાઓ પર કેન્દ્રીત પૂજન, ભજન, આરતી અને પ્રસાદ વિતરણની વિશેષ તૈયારીઓ કરાઇ રહી છે, અલગ અલગ દેવમંદિર પોતાની પદ્ધતિઓ અને અર્ચનવિધિ દરમિયાન રામલલ્લાના બિરાજમાન થવાનો પણ ઉત્સવ ઉજવશે. ભાજપ, સંઘ અને તેના સંગઠનો દેશના પાંચ લાખથી વધુ મંદિરોમાં દીપોત્સવ અને વિશેષ પૂજાના આયોજનોમાં લાગ્યા છે.
અન્ય મુખ્ય મંદિરોનું સંચાલન કરતા ટ્રસ્ટો અને વ્યવસ્થાપક સમિતિઓએ પણ આ દિવસે ખાસ કાર્યક્રમો રાખ્યા છે તો બીજી બાજુ રાજય સરકારોએ પણ ખાસ કાર્યક્રમોની તૈયારી કરી છે. યજમાન રાજય ઉત્તરપ્રદેશમાં જાહેર રજાથી માંડીને દીપોત્સવ સુધીની અગાઉથી જાહેરાત કરી ચૂકી છે. અન્ય રાજ્યો પણ આવી જાહેરાત કરે તો નવાઇ નહીં.
આવકાર્ય પગલું
રામ મંદિરના સત્તાવાળાઓ એક આવકાર્ય જાહેરાત કરી હતી કે તમામ લોકોને પ્રવેશ મળશે. કોઈને પણ મંદિરમાં આવવા માટે ધર્મ, જાતિ કે ઓળખ પત્રની જરૃર નથી. આ સનાતન ધર્મનું મંદિર છે. અહીં તમામ લોકો આવી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ મંદિરમાં દર્શન કરવા આવશે તો તેને તેનો ધર્મ કે ઓળખ વિશે પૂછવામાં આવશે નહીં. કોઈના પણ પ્રવેશ પર પ્રતિબંધ નથી.
વિશ્વભરમાંથી મંદિર માટે ભેટસોગાદોનો પ્રવાહ
રામમંદિર માટે દેશ-વિદેશમાંથી ખાસ ભેટ અયોધ્યામાં મોકલાઈ રહી છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા રામ મંદિરને મોકલવામાં આવેલી ખાસ ભેટોમાં 108 ફૂટ લાંબી અગરબતી, 2100 કિલોનો ઘંટ, 1100 કિલો વજનનો વિશાળ દિપક, સોનાની ચાખડી, 10 ફૂટ ઉંચુ તાળું-ચાવી અને આઠ દેશનાં સમગ્ર એક સાથે દર્શાવતી ઘડીયાળ પણ સામેલ છે. આ અનોખી ભેટો બનાવનાર કલાકારોને આશા છે કે આનો ઉપયોગ ભવ્ય મંદિરમાં કરવામાં આવશે. રામ મંદિરને દેશના બધા ભાગો ઉપરાંત વિદેશોમાંથી પણ ભેટો મળી રહી છે. નેપાળમાં જનકપુરીમાં સીતાજીની જન્મ ભૂમિમાંથી ભગવાન રામ માટે 3 હજારથી વધુ ભેટ અયોધ્યા પહોંચી છે આભુષણ અને કપડા સહીત ભેટોને આ સપ્તાહે નેપાળના જનકપુર ધામ રામ જાનકી મંદિરથી લગભગ 30 વાહનો દ્વારા અયોધ્યા લઈ જવામાં આવી હતી. તો શ્રીલંકાથી એક પ્રતિનિધિ મંડળ પણ અશોક વાટીકાથી એક વિશેષ ઉપહાર લઈને અયોધ્યા પહોંચ્યુ હતું. પ્રતિનિધિ મંડળે મહાકાવ્ય રામાયણમાં વર્ણિત અશોક વાટીકાથી લાવવામાં આવેલ એક શિલાની ભેટ આપી હતી.
પરદેશમાં ઉજવણી
વિશ્વભરના હિન્દુઓમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અદમ્ય ઉત્સાહ છે. બ્રિટન, કેનેડા અને યુકેમા રહેતા ભારતીયોએ પણ ભગવાન શ્રીરામના અભિષેકની તૈયારીઓ કરી છે. અનેક ભારતીયોએ તો આ ઐતિહાસિક પ્રસંગને માણવા માટે ભારત આવવાની ટિકિટ પણ બુક કરાવી લીધી છે. ભારતના અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન માટેની પ્રાર્થનામાં ભાગ લેવા માટે મોરેશિયસ સરકારે 22મી જાન્યુઆરી 2024ના રોજ હિન્દુ ધર્મના અધિકારીઓને બે કલાકનો વિરામ આપ્યો છે.
સમગ્ર વિશ્વ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં દેશ સાથે જોડાઈ રહ્યું છે. અમેરિકામાં રામ ભક્તો અનેક કાર અને બાઇક રેલીઓ કાઢી ચૂક્યા છે. આ સિવાય અમેરિકાના ન્યૂયોર્ક સિટીના લોકપ્રિય ટાઈમ્સ સ્ક્વેર ખાતે 22 જાન્યુઆરીએ તેનું લાઈવ ટેલિકાસ્ટ થવાના અહેવાલો છે. દરમિયાન એવી માહિતી મળી છે કે વિશ્વ હિન્દુ પરિષદના અમેરિકન યુનિટે 10 રાજ્યોમાં બિલબોર્ડ પણ લગાવ્યા છે.જે રાજ્યોમાં આ બિલબોર્ડ લગાવવામાં આવ્યા છે તેમાં ટેક્સાસ, ઇલિનોઇસ, ન્યૂયોર્ક, ન્યૂ જર્સી અને જ્યોર્જિયાનો સમાવેશ થાય છે. આ સિવાય એરિઝોના અને મિઝોરીમાં 15 જાન્યુઆરીથી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવશે.
ફ્રાન્સની રાજધાની પેરિસમાં 21મી જન્યુઆરીએ રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર યુરોપમાંથી હજારો લોકો ઉમટશે. આ ઉપરાંત એફિલ ટાવર પાસે પણ ઉજવણી કરવામાં આવશે.
મોરેસિયશમાં સરકારી કર્મચારીઓને બે કલાકની વિશેષ રજા
મોરેશિયસ સરકારે આ દિવસે પોતાના હિન્દુ કર્મચારીઓને ભગવાન રામની પ્રાર્થના કરી શકે અને મહોત્સવને માણી શકે એ માટે સ્પેશિયલ કેસ તરીકે બે કલાકની રિસેસ આપવાની જાહેરાત કરી છે. મોરેસિયશના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનૌથે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતના અયોધ્યામાં રામમંદિરના લોકાર્પણને અનુલક્ષીને કેબિનેટે 22 જાન્યુઆરીએ હિન્દુ અધિકારીઓ માટે બપોરે 2 વાગ્યે બે કલાકની રજા મંજૂરી કરી છે. મોરેસિયશમાં 2011ની વસ્તી ગણતરી મુજબ દેશમાં હિન્દુઓની વસ્તી અંદાજે 48.5 ટકા છે.
વિપક્ષનો બહિષ્કાર
રામ મંદિર ટ્રસ્ટ તરફથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં કાર્યક્રમ માટે આવવાનું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસે આ આમંત્રણને ભાજપનો રાજકીય કાર્યક્રમ ગણાવીને ફગાવી દીધું હતું. સામ્યવાદીઓએ પણ આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો.
રામંદિરની ડિઝાઇન અમદાવાદના સોમપુરા પરિવારે તૈયાર કરીઅમદાવાદના સોમપુરા પરિવારે 1988માં રામ મંદિર માટે મૂળ ડિઝાઇન તૈયાર કરી હતી. જોકે વાસ્તુશાસ્ત્ર અને શિલ્પા શાસ્ત્રોના સંદર્ભમાં 2020માં તેમાં કેટલાક ફેરફારો થયાં હતાં. સોમનાથ મંદિર સહિત ઓછામાં ઓછી 15 પેઢીઓથી વિશ્વભરમાં 100થી વધુ મંદિરોની ડિઝાઇનમાં સોમપુરાઓએ ફાળો આપ્યો છે.
શ્રી રામ જન્મભૂમિ મંદિરની વિશેષતાઓ
-મંદિર પરંપરાગત નાગર શૈલીમાં છે.
-મંદિરની લંબાઈ (પૂર્વ-પશ્ચિમ) 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે.
-મંદિર ત્રણ માળનું છે, જેમાં દરેક માળની ઊંચાઈ 20 ફૂટ છે.
શ્રી રામ જન્મભૂમિ મંદિરનું બાંધકામ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને મંદિરના નિર્માણનો અંદાજિત ખર્ચ ₹ 1,400 કરોડથી ₹ 1,800 કરોડ વચ્ચે રહેવાની ધારણા છે.
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 15થી 22 જાન્યુઆરી સુધીનો કાર્યક્રમ
15 જાન્યુઆરી 2024 – આ દિવસે મકરસંક્રાંતિ પર ખરમાસ સમાપ્ત થાય છે. રામલલ્લાની મૂર્તિ એટલે કે શ્રી રામના બાળ સ્વરૂપની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરાશે.
16 જાન્યુઆરી 2024 – આ દિવસથી રામલલ્લાની મૂર્તિના નિવાસની વિધિ પણ શરૂ થશે.
17 જાન્યુઆરી 2024 – આ દિવસથી રામલલ્લાની પ્રતિમાની શોભા યાત્રા કાઢવામાં આવે છે.
18 જાન્યુઆરી 2024 – આ દિવસથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે. મંડપ પ્રવેશ પૂજા, વાસ્તુ પૂજા, વરુણ પૂજા, વિઘ્નહર્તા ગણેશ પૂજા અને માર્તિકા પૂજા થશે.
19 જાન્યુઆરી 2024 – રામ મંદિરમાં યજ્ઞ અગ્નિદાહની સ્થાપના કરાશે. ખાસ પદ્ધતિથી અગ્નિ પ્રગટાવવામાં આવશે.
20 જાન્યુઆરી 2024 – રામ મંદિરના ગર્ભગૃહને 81 કલશથી પવિત્ર કરાશે, આ કળશમાં પવિત્ર નદીનું જળ હશે, બાદ વાસ્તુ શાંતિ વિધિ પણ થશે.
21 જાન્યુઆરી 2024 – આ દિવસે, યજ્ઞ વિધિમાં વિશેષ પૂજા અને હવનની વચ્ચે, રામ લલા 125 કળશથી દિવ્ય સ્નાન કરાશે.
અભિષેક 22 જાન્યુઆરી 2024 ના રોજ થવાનો છે. આ દિવસે મધ્યકાળમાં મૃગશિરા નક્ષત્રમાં રામલલ્લાની મહાપૂજા થશે.