આયોવા રિપબ્લિકન કોકસમાં નબળા દેખાવ પછી ઇન્ડિયન-અમેરિકન ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામી મંગળવાર, 16 જાન્યુઆરીએ 2024ની યુએસ પ્રમુખપદની રેસમાંથી બહાર થઈ ગયા હતાં અને તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને તેમનું સમર્થન જાહેર કર્યું હતું.
આયોવા કોકસમાં રામાસ્વામી લગભગ 7.7% મતો મેળવીને ચોથા સ્થાને રહ્યાં હતાં. ટ્રમ્પ મોખરાના સ્થાન પર રહ્યાં હતાં, જયારે રોન ડીસેન્ટિસે બીજા અને નિક્કી હેલી ત્રીજા સ્થાને રહ્યાં હતા.
38 વર્ષના બાયોટેક ઉદ્યોગસાહસિકે જણાવ્યું હતું કે તેઓ આયોવા લીડઓફ કોકસમાં નિરાશાજનક દેખાવ પછી રિપબ્લિકન નોમિનેશન માટેના તેમના અભિયાનને સમાપ્ત કરી રહ્યા છે. હું આજ રાત્રીના સત્યનું પાલન કરીશું. આ સત્ય મારા માટે ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ મારે સ્વીકારવું પડશે. અમે તેના વિશે દરેક રીતે વિચાર્યું હતું અને મને લાગે છે કે સત્ય એ છે કે અમે જે આશ્ચર્યજનક કરવા માગતા હતા તે થઈ શક્યું નથી.
રામાસ્વામી ફેબ્રુઆરી 2023માં સર્વોચ્ચ પદની રેસમાં પ્રવેશ્યા ત્યારે રાજકીય વર્તુળોમાં અજાણ્યા હતા, તેઓ ઇમિગ્રેશન અને અમેરિકા-ફર્સ્ટના અભિગમ અંગેના તેમના મજબૂત અભિપ્રાયો દ્વારા રિપબ્લિકન મતદારોમાં ધ્યાન અને સમર્થન મેળવવામાં સફળ થયા હતાં. તેમની પ્રચારઝુંબેશની વ્યૂહરચના સૂર અને નીતિ બંનેની દ્રષ્ટિએ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ટ્રમ્પ જેવી હતી. રામાસ્વામીએ રૂઢિચુસ્ત મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. આ જ મતદારોએ ટ્રમ્પને અગાઉની ચૂંટણીઓમાં સફળતા અપાવી હતી.
ટ્રમ્પ આયોવામાં વિજયી બનીને ઉભરી આવ્યા હતા અને રિપબ્લિકન નોમિનેશન માટે પોતાની મોખરાની સ્થિતિને વધુ મજબૂત બનાવી હતી. રામાસ્વામી ઓહાયોના રહે છે અને કેરળના ઇમિગ્રન્ટ માતા-પિતાને ત્યાં જન્મ્યા હતા. રિપબ્લિકન પાર્ટીમાં તેઓ અણધાર્યા દાવેદારોમાંના એક તરીકે ઉભરી આવ્યા હતા.
જોકે આયોવા કોકસ સુધીના અંતિમ દિવસોમાં પાસું પલટાયું હતું. ટ્રમ્પે જાહેરમાં તેમની નિંદા કરી હતી અને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર તેમને “ફ્રોડ”નું લેબલ આપ્યું હતું.