અયોધ્યામાં અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કર્ણાટકના શિલ્પકાર અરૂણ યોગીરાજની બનાવેલી મૂર્તિ સ્થાપિત કરાશે.
ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવનાર રામલલ્લાની મૂર્તિનું વજન 150થી 200 કિલો છે. રામલલ્લાની ઉભી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. 18 જાન્યુઆરીના રોજ પ્રતિમાને ગર્ભગૃહમાં પોતાના આસન પર મૂકવામાં આવશે. મૈસૂરના જાણીતા મૂર્તિકાર અરૂણ યોગીરાજની બનાવેલી રામલલાની મૂર્તિની પસંદગી થઈ છે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આની પુષ્ટી કરતાં જણાવ્યું હતું કે અરૂણ યોગીરાજે કેદારનાથમાં શંકરાચાર્યની મૂર્તિ બનાવી છે, ઈન્ડિયા ગેટ પર સુભાષચંદ્ર બોઝની પ્રતિમા બનાવી છે. તેમને અયોધ્યામાં મૂર્તિ બનાવવા દરમિયાન પંદર-પંદર દિવસ સુધી મોબાઈલથી દૂર રખાયા હતા. તેમની મૂર્તિની પસંદગી કરાઈ છે. મંદિરમાં જે મૂર્તિ સ્થાપિત થશે તે ભગવાન રામના બાળસ્વરૂપની હશે.
પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ શિલ્પીના પુત્ર 37 વર્ષીય અરુણ યોગીરાજ મૈસુર મહલના શિલ્પકારોના પરિવારમાંથી આવે છે. અરુણના પિતાએ ગાયત્રી અને ભુવનેશ્વરી મંદિરો માટે પણ કામ કરી ચૂક્યા છે. MBAનો અભ્યાસ કરી ચૂકેલા યોગીરાજ પાંચમી પેઢીના શિલ્પકાર છે. એમબીએની ડિગ્રી લીધા બાદ તેમણે એક પ્રાઈવેટ કંપનીમાં પણ કામ કર્યું પરંતુ શિલ્પકાર બનવા માટે 2008માં નોકરી છોડી દીધી હતી.