અમેરિકાના કનેક્ટિકટમાં રવિવારે તેલંગાણાના એક વિદ્યાર્થી અને આંધ્રપ્રદેશના એક વિદ્યાર્થીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. આ બંને વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે યુએસ પહોંચ્યાના માંડ 16 દિવસ પછી આ કરુણ ઘટના બની હતી. કનેક્ટિકટ પોલીસે ગટ્ટુ દિનેશ (22) અને નિકેશના માતા-પિતાને જાણ કરી હતી કે બંને “ઊંઘમાં મૃત્યુ પામ્યા હતા.” દિનેશ તેલંગાણાના વાનપર્થી જિલ્લા અને નિકેશ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાનો હતો.
બંને વિદ્યાર્થીઓના મોત કાર્બન મોનોક્સાઇડ પોઇઝનિંગને કારણે થયા હોવાની આશંકા છે, પરંતુ પોલીસ હજુ આ મામલે તપાસ કરી રહી છે. દિનેશ અને નિકેશ યુનિવર્સિટી ઓફ સેક્રેડ હાર્ટમાં કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતા હતા, અને બંને રૂમ મેટ્સ પણ હતા. દિનેશની ફેમિલીના જણાવ્યા અનુસાર લોકલ પોલીસને બંનેની બોડી તેમના રૂમમાંથી જ મળી આવી હતી.
દિનેશના કાકા સાઈનાથે જણાવ્યું હતું કે દિનેશ અને નિકેશના મિત્રો રવિવારે સવારે તેમના રૂમ પર ગયા હતા, પરંતુ અનેક પ્રયાસો બાદ પણ બંનેને ઉઠાડી ના શકાતા પોલીસ અને એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. તેમને હોસ્પિટલ લઈ જવાયા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.