ગાઢ ધુમ્મ્સને કારણે ઇન્ડિગોની ફ્લાઇટમાં વિલંબ થતાં એક મુસાફરે વિમાનના પાયલટ પર હુમલો કરીને તેને લાફો માર્યો હતો. આ હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના દિલ્હીથી ગોવા જતી ઈન્ડિગોની ફ્લાઈટ (6E-2175)માં બની હતી જે રવિવારે ધુમ્મસના કારણે કેટલાક કલાકો મોડી પડી હતી.
મુસાફરની ઓળખ સાહિલ કટારિયા તરીકે થઈ હતી. પાઇલટે તેની સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટના બાદ તરત જ આ પેસેન્જરને પ્લેનમાંથી બહાર કાઢીને સત્તાવાળાના સોંપવામાં આવ્યો હતો.
ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે વિમાનમાંર “અવ્યવસ્થિત વર્તન” સહન કરાશે નહીં અને આવી દરેક ઘટનાને સામે આકરી કાર્યવાહી કરાશે.
રવિવારે ગાઢ ધુમ્મસના કારણે ઉત્તર ભારતમાં ઘણી ફ્લાઈટ કલાકો સુધી ડીલે થઈ હતી. ફ્લાઈટે નિર્ધારિત સમયે ઉડાણ ના ભરતાં પેસેન્જરો હેરાન-પરેશાન થઈ ગયા હતાં. અંદર બેસીને કંટાળી ગયેલા એક પેસેન્જરે પાયલટને લાફો માર્યો હતો.
વીડિયોમાં જોઈ શકાય છે કે, ઈન્ડિગોનો પાયલટ પેસેન્જર કેબિનમાં ઊભો રહીને અનાઉન્સમેન્ટ કરી રહ્યો છે. આ દરમિયાન યલો હુડી પહેરેલો એક પેસેન્જર ધસી આવે છે અને પાયલટને થપ્પડ મારે છે. અચાનક થયેલા હુમલાથી સમસમી ગયેલો પાયલટ કોકપીટમાં પાછો જતો રહ્યો હતો. ફીમેલ ફ્લાઈટ અટેન્ડન્ટે તે પેસેન્જરને દૂર ધકેલ્યો હતો અને ક્રૂ મેમ્બર્સ સાથે ગેરવર્તણૂક ના કરવાની ચેતવણી આપી હતી.
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ડીસીપીએ કહ્યું હતું કે, આરોપી પેસેન્જર સામે કડક પગલાં ભરવામાં આવશે. રવિવારે ફ્લાઈટ ડીલે અંગે ઈન્ડિગો એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું, આખા ઉત્તર ભારતમાં લૉ વિઝિબિલિટી અને ગાઢ ધુમ્મસની સ્થિતિના કારણે આખા દિવસ દરમિયાન અમારા ઓપરેશન્સ પર વિપરીત અસર પડી હતી. અમારા સ્ટાફે દરેક એરપોર્ટ પર પેસેન્જરોને ડીલે અને કેન્સલેશનની સ્થિતિની જાણ કરી હતી અને પેસેન્જરોને તકલીફ ના પડે એવા તમામ પ્રયાસ કર્યા હતા.”