આસામ યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની જોગવાઈ કરતી બિલ રજૂ કરનારું ઉત્તરાખંડ અને ગુજરાત પછી ત્રીજું રાજ્ય બનશે. આસામના આ બિલમાં આદિવાસી સમુદાયોને સૂચિત કાયદાના દાયરામાંથી મુક્તિ આપશે. UCC એટલે ધર્મ આધારિત ન હોય તેવો દેશના તમામ નાગરિકો માટે એક સમાન કાયદો.
આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ ગુરુવારે જણાવ્યું હતું કે અમે યુસીસી અંગે ઉત્તરાખંડના બિલની રાહ જોઈ રહ્યા છીએ અને તે રજૂ થયા પછી આસામ કેટલીક વધારાની કલમો સાથે તેનું અનુકરણ કરશે. આસામ મોડેલમાં કેટલાંક નવા મુદ્દાઓ હશે, કારણ કે રાજ્ય બાળલગ્ન અને બહુપત્નીત્વ સામે લડી રહ્યું છે. જોકે, આદિવાસી સમુદાયોને તેના દાયરામાં મુક્તિ આપશે.
તેમણે જણાવ્યું હતું કે અમે ઉત્તરાખંડ બિલનો અભ્યાસ કરીશું અને આગામી બેથી ત્રણ મહિનામાં જાહેર પરામર્શ શક્ય છે કે નહીં તેની ચકાસણી કરીશું. જો કેટલીક ગૂંચવણો ઊભી થશે તો આ બાબતે નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવશે અને તે મુજબ બિલ ઘડવામાં આવશે. બધું ઉત્તરાખંડ અને ગુજરાતમાં પસાર થનારા બિલ પર નિર્ભર છે, પરંતુ આસામ ચોક્કસપણે UCC પર બિલ લાવનાર ત્રીજું રાજ્ય બનશે.
મુખ્યપ્રધાને કહ્યું હતું કે રાજ્ય સરકાર આગામી મહિને શરૂ થનારા વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યમાં બહુપત્નીત્વને સમાપ્ત કરવા માટે એક બિલ લાવવાની યોજના બનાવી રહી છે.