પ્રખ્યાત શાસ્ત્રીય ગાયિકા અને પદ્મ વિભૂષણ વિજેતા ડૉ. પ્રભા અત્રેનું શનિવારે વહેલી સવારે 92 વર્ષની વયે પૂણેમાં તેમના નિવાસસ્થાને હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાણા ઘરાનાના અત્રેને ભારત સરકાર દ્વારા ત્રણેય પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. એક સૂત્રે જણાવ્યું હતું કે અત્રેને તેમના નિવાસસ્થાન પર ઊંઘમાં હાર્ટ એટેક આવ્યાં હતો.
તેમને દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને સવારે 5.30 વાગ્યે મૃત જાહેર કરાયા હતા. શાસ્ત્રીય ગાયક હોવા ઉપરાંત, પ્રભા અત્રે એક ઉત્કૃષ્ટ વિદ્વાન, સંશોધક, સંગીતકાર અને લેખક પણ હતાં. વિજ્ઞાન અને કાયદામાં સ્નાતક થયેલા અત્રેએ સંગીતમાં ડોક્ટરેટની પદવી લીધી હતી. તેમને જાન્યુઆરી 2022માં દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમને 1990માં પદ્મશ્રી પુરસ્કાર અને 2002માં પદ્મ ભૂષણ મળ્યો હતો.