ન્યૂયોર્કની કોર્ટે શુક્રવારે ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અને તેના ત્રણ પત્રકારો સામે ખોટો કાનૂની દાવો માંડવા બદલ અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પેને 4 લાખ ડોલરની કાનૂની ફી આ વર્તમાનપત્ર અને પત્રકારોને ચુકવવાનો આદેશ આપ્યો હતો. ટ્રમ્પે તેમના પરિવારની સંપત્તિ અને કર પ્રણાલી અંગે 2018માં એક ન્યૂઝ રીપોર્ટ બદલ આ કાનૂની દાવો માંડ્યો હતો, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધો હતો. આ ન્યૂઝ રીપોર્ટને પુલિત્ઝર પ્રાઈઝ પણ મળ્યો હતો.
કોર્ટે આ વર્તમાનપત્ર તથા પત્રકારો સુસાન ક્રેગ, ડેવિડ બાર્સ્ટો અને રસેલ બ્યુટનર સામેના દાવાને મે મહિનામાં ફગાવી દીધો હતો. ટ્રમ્પે તેમની ભત્રીજી મેરી ટ્રમ્પ પણ દાવો માંડ્યો હતો, પરંતુ તે હજુ ચાલુ છે. ટ્રમ્પે આરોપ મૂક્યો હતો કે મેરીએ પત્રકારોને ટેક્સ રેકોર્ડ્સ આપીને અગાઉના સેટલમેન્ટ કરારનો ભંગ કર્યો હતો.
ન્યૂયોર્કના ન્યાયાધીશ રોબર્ટ રીડે જણાવ્યું હતું કે આ કેસની જટિલતા અને અન્ય પરિબળોને જોતાં તે વાજબી છે કે ડોનાલ્ડ ટ્રમ્પને ફરજ પાડવી જોઇએ કે તેઓ ટાઇમ્સ અને પત્રકારોને કાનૂની ફી પેટે $392,638 ચુકવે.
ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ એલિના હબ્બાએ કહ્યું હતું કે ટાઈમ્સ અને તેના પત્રકારોને કેસમાંથી દૂર કરવામાં આવ્યાં હોવાથી તેઓ નિરાશ થયા છે. પરંતુ તેઓ ખુશ છે કે અદાલતે ફરી એક વાર મેરી સામેના અમારા દાવાઓની મજબૂતાઈની પુષ્ટિ કરી છે અને જવાબદારી ટાળવાના તેના પ્રયાસને નકારી કાઢી છે.
ટ્રમ્પે 2021માં ટાઇમ્સ અને તેના પત્રકારો સામે આ દાવો માંડ્યો હતો. ટાઇમ્સની ન્યૂઝ સ્ટોરીમાં જણાવાયું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પિતાએ બનાવટી કંપનીઓની સ્થાપના કરીને અને ટેક્સ સત્તાવાળાઓને ઓછું મૂલ્ય દર્શાવીને ગિફ્ટ અને વારસા ટેક્સ ભર્યો ન હતો. ટ્રમ્પે 10 કરોડ ડોલરનો દાવો માંડ્યો હતો.
ટાઈમ્સના પ્રવક્તા ડેનિયલ ર્હોડ્સ હાએ ન્યૂયોર્કના કાયદાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આજનો નિર્ણય દર્શાવે છે કે રાજ્યનો નવો સુધારેલ એન્ટી-એસએલએપીપી કાનૂન પ્રેસ સ્વતંત્રતાના રક્ષણ માટે એક શક્તિશાળી બળ બની શકે છે. જાહેર ભાગીદારી સામે કાનૂની દાવાના નિયમોને અમેરિકામાં SLAPP તરીકે ઓળખવામાં આવે છે, જે વિવેચકોને ચૂપ કરવા માટે કરાયેલા પાયાવિહોણા મુકદ્દમોને પ્રતિબંધિત કરે છે. આ ચુકાદા મારફત કોર્ટે પત્રકારોને ચૂપ કરવા માટે ન્યાયિક પ્રણાલીનો દુરુપયોગ કરવા માંગતા લોકોને કડક સંદેશ આપ્યો છે.