(ANI Photo)

નવી દિલ્હીમાં અમેરિકા સાથેની ટ્રેડ પોલિસી ફોરમ (TPF) બેઠકમાં ભારતે શનિવારે યુએસના બિઝનેસ વિઝા મેળવવામાં થતાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે વેપારીઓ અને રોકાણકારો માટે યુએસ વિઝાની ફાસ્ટ ટ્રેક પ્રોસેસ ચાલુ કરવાની રજૂઆત કરી હતી. ભારતે H-1B વિઝાના ડોમેસ્ટિક રિન્યુએલની કાયમી સિસ્ટમ ઊભી કરવાનો અને ભારતને  E1 અને E2 વિઝા માટે  ‘સંધિ માન્ય દેશ’ દેશ ગણવાની પણ રજૂઆત કરી હતી.

14મી TPF બેઠક દરમિયાન આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. આ બેઠક  અમેરિકાના વેપાર પ્રતિનિધિ કેથરીન તાઈ તથા ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલની સહ-અધ્યક્ષતા યોજાઈ હતી.

TPF બેઠક દરમિયાન બંને પ્રધાનોએ નોંધ્યું હતું કે દેશો વચ્ચે પ્રોફેશનલ તથા કુશળ કામદારો, વિદ્યાર્થીઓ, રોકાણકારો અને બિઝનેસ મુલાકાતીઓ દ્વિપક્ષીય આર્થિક અને ટેકોલોજી ભાગીદારીને વધારવામાં પુષ્કળ યોગદાન આપે છે.

બેઠકની અંતે એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ગોયલે વિઝા પ્રક્રિયાના સમયગાળાને કારણે ભારતના વ્યવસાયિક મુલાકાતીઓને સામનો કરવા પડતાં પડકારોને હાઇલાઇટ કર્યા હતા અને પ્રોસેસિંગની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો અમેરિકાને અનુરોધ કર્યો હતો. ભારતે વેપારીઓ અને રોકાણકારો માટે સરળ વિઝા પ્રોસેસની પણ વિનંતી કરી હતી. ભારતે અમેરિકાની એક એવી સિસ્ટમ ઉભી કરવાની રજૂઆત કરી હતી કે જેથી H-1B વિઝાને અમેરિકામાં રિન્યૂ કરવામાં આવે અને H-1B ધારકે તેને રિન્યૂ કરાવવા માટે ભારતમાં પરત ન આવું પડે. અમેરિકાએ તાજેતરમાં H-1B વિઝા રિન્યૂની પ્રોસેસ અમેરિકામાં કરવા માટેનો એક પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે.

અધિકારીએ જણાવ્યું હતું કે “હવે અમે ડોમેસ્ટિક વિઝા રિન્યુઅલને કાયમી બનાવવા માટે કહી રહ્યા છીએ અને અમે આ સુવિધા માત્ર મૂળ વિઝા ધારકને જ નહીં, પરંતુ તેમના પરિવારને પણ આપવાનું કહી રહ્યા છીએ, જેથી પરિવારના સભ્યોને પણ વિઝા રિન્યૂ કરાવવા માટે ભારત પાછા આવવાની જરૂર ન પડે.”

વધુમાં ભારતે યુએસને અનુરોધ કર્યો છે કે કે E1 અને E2 વિઝા માટે ભારતને ‘સંધિ માન્ય દેશ’ ગણવામાં આવે. અમેરિકા સામાન્ય રીતે વેપારીઓ અને રોકાણકારોને E1 અને E2 વિઝા આપે છે. હાલમાં ભારત આ વિઝા માટે યુએસ માટે માન્ય સંધિ દેશ નથી.

સત્તાવાર નિવેદનમાં જણાવ્યા મુજબ ભારતે યુએસ માટે સમયસર વિઝા મેળવવામાં સ્થાનિક વ્યવસાયો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ અંગે તેની ચિંતાઓ પણ દર્શાવી હતી અને અમેરિકાને આ પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી હતી.

LEAVE A REPLY