સબ-પોસ્ટમાસ્ટર અને તેમના પરિવારોને હોરાઇઝન આઇટી સ્કેન્ડલના કારણે થયેલા નુકશાન બાબતે વધતા દબાણનો સામનો કર્યા પછી પોતે ખરેખર દિલગીર છે એમ જણાવી પોસ્ટ ઓફિસના ભૂતપૂર્વ બોસ પૌલા વેનેલ્સે તાત્કાલિક અસરથી CBE એવોર્ડ પાછો આપવાની જાહેરાત કરી છે.
પૌલાએ જણાવ્યું હતું કે “હોરાઇઝન સિસ્ટમના પરિણામે ખોટા આરોપો અને ખોટી રીતે કાર્યવાહી કરાતા જેમનું જીવન તૂટી ગયું હતું તે સબ-પોસ્ટમાસ્ટર અને તેમના પરિવારોને થયેલા વિનાશ માટે હું ખરેખર દિલગીર છું.”
ખામીયુક્ત સોફ્ટવેરને કારણે 700થી વધુ સબ-પોસ્ટમાસ્ટર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલાક લોકોને ખોટા હિસાબ અને ચોરીના ગુનામાં જેલમાં ધકેલવામાં આવ્યા હતા તો ઘણા લોકો આર્થિક રીતે પાયમાલ થયા હતા. એક મિલિયનથી વધુ લોકોએ પૌલાને તેણીનું CBE પાછા સોંપવા આહવાન કરતી અરજી પર હસ્તાક્ષર કર્યા છે.
તેણી 2012 અને 2019 ની વચ્ચે પોસ્ટ ઓફિસની ચીફ એક્ઝિક્યુટિવ હતી, અને પોસ્ટ ઓફિસ અને ચેરિટી માટે સેવાઓ માટે CBE પ્રાપ્ત કર્યો હતો. વેનેલ્સ 2012 અને 2019ની વચ્ચે ચાર્જમાં હતા ત્યારે પોસ્ટ ઓફિસે તેની IT સીસ્ટમમાં સમસ્યાઓ હોવાનો વારંવાર ઇનકાર કર્યો હતો.
ટોરી મંત્રી જ્હોન ગ્લેન સહિત ઘણાં લોકોએ આ પગલાને આવકાર્યું છે તો જસ્ટીસ સેક્રેટરી એલેક્સ ચૉકે જણાવ્યું હતું કે સેંકડો લોકોને નિર્દોષ જાહેર કરવા માટેનો કાયદો “સક્રિય વિચારણા” પ્રાપ્ત કરી રહ્યો છે. તેમણે હોરાઇઝન કૌભાંડમાં સબ-પોસ્ટમાસ્ટરના નામ સાફ કરવા અંગે ચર્ચા કરવા જજીસ સાથે વાતચીત કરી હતી.