ગાંધીનગરમાં બુધવાર, 10 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રથમ દિવસે અબજોપતિ ઉદ્યોગપતિઓ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી તેમજ મારુતિ સુઝુકી, ટાટા ગ્રુપ, ડીપી વર્લ્ડ અને બીજી દિગ્ગજ કંપનીઓએ જંગી રોકાણની સંખ્યાબંધ યોજનાઓની જાહેરાત કરી હતી.

અદાણીએ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં રૂ.2 લાખ કરોડથી વધુના રોકાણની જાહેરાત કરી હતી. તેઓ મુખ્યત્વે ગ્રીન એનર્જી અને રિન્યુએબલ એનર્જીનું નિર્માણ કરવામાં રોકાણ કરશે.  અદાણીએ 2025 સુધીમાં રૂ. 55,000 કરોડથી વધુના રોકાણની જાહેરાત કરી હતી.

વધુ રોકાણોની જાહેરાત કરતાં અદાણીએ જણાવ્યું હતું કે તેમની કંપની કચ્છ જિલ્લાના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બાંધી રહી છે, જે 725 ચોરસ કિલોમીટરમાં 30 GW રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરશે અને અવકાશમાંથી પણ દેખાય છે.

તેવી જ રીતે મારુતિ સુઝુકી કોર્પના પ્રમુખ તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે મારુતિ સુઝુકી ઈન્ડિયા સ્થાનિક અને વૈશ્વિક માર્કેટ માટે ગુજરાતના પ્લાન્ટમાંથી ટૂંકસમયમાં તેના પ્રથમ EV (ઈલેક્ટ્રિક વ્હીકલ) લોન્ચ કરશે. તેમણે રાજ્યમાં તેમની કુલ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે બીજી ફેક્ટરી બનાવવા માટે રૂ. 35,000 કરોડથી વધુના રોકાણની પણ જાહેરાત કરી હતી. કંપની 2031 સુધીમાં તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતાને 40 લાખ એકમોથી વધુ કરવા માંગે છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાતના સુરતમાં હઝીરા ખાતે દેશની પ્રથમ વર્લ્ડ કલાસ કાર્બન ફાઈબર ફેક્ટરી સ્થાપવાની જાહેરાત કરી હતી. અંબાણીએ ઉમેર્યું હતું કે રિલાયન્સ 2024માં જામનગરમાં 5,000 એકરમાં ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ સ્થાપશે. તેમણે એમ પણ કહ્યું હતું કે રિલાયન્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન “ગુજરાતમાં અન્ય કેટલાક ભાગીદારો સાથે શિક્ષણ, રમતગમત અને કૌશલ્ય માળખામાં સુધારો કરવા માટે પ્રયાસ કરશે. તેનાથી વિવિધ ઓલિમ્પિક્સ સ્પોર્ટસમાં ભવિષ્યના ચેમ્પિયનો તૈયાર કરી શકાશે.

ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરને સમિટ દરમિયાન જાહેરાત કરી હતી કે કંપની ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ બનાવવાની યોજના બનાવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે ટાટા આગામી બે મહિનામાં સાણંદમાં 20 ગીગાવોટની લિથિયમ આયન સ્ટોરેજ બેટરી ફેક્ટરીનું નિર્માણ કરશે.

દરમિયાન, આર્સેલર મિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલે માહિતી આપી હતી કે તેમની કંપની 2029 સુધીમાં સુરતના હજીરા ખાતે વિશ્વની સૌથી મોટી સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીનું નિર્માણ કરશે જે વાર્ષિક 24 મિલિયન ટનની હશે.

યુએઇની ડીપી વર્લ્ડે નવા બંદરો, ટર્મિનલ્સ અને આર્થિક ક્ષેત્રોના વિકાસમાં મોટાભાગે રોકાણના રૂ.25,000 કરોડના બહુવિધ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ડીપી વર્લ્ડ ગ્રુપના ચેરમેન અને સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમ અને ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ એમકે દાસ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY