ઇન્ફોસિસના શરૂઆતના વર્ષોમાં તેના સ્થાપક એન આર નારાયણ મૂર્તિને તુંડમિજાજી અમેરિકન ઉદ્યોગપતિએ બારી વગરના એક સ્ટોરરૂમમાં એક મોટા બોક્સ પર આખી રાત સુવડાવ્યા હતાં.
ઇન્ડિયન અમેરિકન લેખિકા ચિત્રા બેનર્જી દિવાકરુણીના પુસ્તક “એન અનકોમન લવઃ ધ અર્લી લાઈફ ઓફ સુધા એન્ડ નારાયણ મૂર્તિ”માં નારાયણ મૂર્તિ અને તેમની પત્ની સુધા મૂર્તિના જીવન વિશેના આવા ઘણા રસપ્રદ કિસ્સા બહાર આવ્યાં છે.
આ પુસ્તકમાં જણાવાયું છે કે સ્ટોરરૂમ એપિસોડ ઘણા વર્ષો પહેલાનો છે જ્યારે નારાયણ મૂર્તિ એકવાર કોઈ કામ માટે અને તેમના એક ક્લાયન્ટને મળવા માટે યુએસ ગયા હતાં. ‘ડેટા બેઝિક્સ કોર્પોરેશન’ કમાન સંભાળતા ડોન લાયલ્સ તુંડમિજાજી હતાં અને ઘણા પ્રસંગોએ નારાયણ મૂર્તિ પ્રત્યે કઠોર હતાં.
આ ક્લાયન્ટ ચૂકવણીમાં વારંવાર વિલંબ કરતા અને નારાયણ મૂર્તિ પણ મક્કમ રહેતા તેથી લાયલ્સનો ટાર્ગેટ બનતા હતાં. નારાયણ મૂર્તિ અથવા તેમના સાથીદારો મેનહટનમાં લાયલ્સની મુલાકાત લેતા ત્યારે તેમને હોટેલ બુકિંગ માટે સમયસર અધિકૃતતા મળતી ન હતી. એકવાર નારાયણ મૂર્તિને સ્ટોરરૂમમાં એક મોટા બૉક્સ પર સૂવડાવવામાં આવ્યાં હતા. બીજી તરફ તેમના ક્લાયન્ટ પાસે ચાર બેડરૂમનું ઘર હતું.
પુસ્તક જણાવ્યા મુજબ નારાયણ મૂર્તિ “તેમની કંપનીને ઉછેરવા” માટે લાયલ્સના ખરાબ વર્તન સહન કરતા હતાં, પરતું આ ઘટનાએ તેમને ચોંકાવી દીધાં હતાં. તેમણે સુધા મૂર્તિ સાથે આ એપિસોડ શેર કર્યો હતો અને અતિથિ દેવો ભવની માતાની વાત યાદ કરી હતી. નારાયણ મૂર્તિએ એ પણ યાદ કર્યું હતું કે કેવી રીતે તેમની માતા મહેમાનોને ભોજન પીરસતી હતી અને રાત્રિભોજન કર્યા વિના સૂઈ જતી હતી.
જગરનોટ બુક્સે પ્રકાશિત કરેલ આ પુસ્તક વાચકોને મૂર્તિઓના મન, હૃદય અને મૂલ્યોની અંદર લઈ જાય છે.
આ પુસ્તકમાં સુધા મૂર્તિના ઇન્ફોસિસમાં જોડાવાની દરખાસ્ત અને કેવી રીતે મૂર્તિએ તેનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો તે વિશે પણ માહિતી છે. તે સમયે મુર્તિએ કહ્યું હતું કે તેનાથી ઇન્ફોસિસ પ્રોફેશનલ કંપનીને બદલે પતિ-પત્નીની પેઢી બની જશે. નારાયણ મૂર્તિ ઇન્ફોસિસને પરિવારવાદી કંપની બનાવવા માગતા ન હતાં.