22 વર્ષ પછી યુકેની મુલાકાત લેનાર ભારતના સંરક્ષણ પ્રધાન તરીકે શ્રી રાજનાથ સિંહ મંગળવાર તા. 9ના રોજ બ્રિટિશ ડીફેન્સ સેક્રેટરી ગ્રાન્ટ શૅપ્સ સાથે સંરક્ષણ સહકાર, સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે ઔદ્યોગિક સહયોગને વધારવા સહિત વિવિધ મુદ્દાઓ પર “ફળદાયી ચર્ચાઓ” કરી હતી.

શ્રી સિંહે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ બિલ્ડીંગ ખાતે ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને તેમના પ્રતિનિધિમંડળના સભ્યો સાથે મંગળવારે સેન્ટ્રલ લંડનમાં ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાની મુલાકાત લઇ પુષ્પાંજલિ આપી તેમના યુકે પ્રવાસની શરૂઆત કરી હતી.

તેઓ મંગળવારે લંડનના નીસડન મંદિર તરીકે ઓળખાતા BAPS સ્વામિનારાયણ મંદિરમાં પ્રાર્થના કરતા પહેલા દલિત અધિકાર કાર્યકર્તા અને ભારતીય બંધારણના આર્કિટેક્ટ ડૉ. બી આર આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા નોર્થ લંડનમાં આવેલ આંબેડકર મ્યુઝિયમની મુલાકાત લેનાર છે.

શ્રી સિંઘ, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), સર્વિસ હેડક્વાર્ટર, ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ અને ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ પ્રોડક્શનના વરિષ્ઠ અધિકારીઓ અને સંરક્ષણ મંત્રાલયના પ્રતિનિધિમંડળ સાથે ત્રણ દિવસની મુલાકાતે સોમવારે રાત્રે યુકે આવી પહોંચ્યા હતા. તેઓ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને ફોરેન સેક્રેટરી ડેવિડ કેમરન સાથે મુલાકાત કરે તેવી અપેક્ષા છે.

તેઓ બુધવારે એક રાઉન્ડ ટેબલ કાર્યક્રમમાં સંરક્ષણ ઉદ્યોગના અગ્રણીઓ સાથે વાર્તાલાપ કરશે અને બાદમાં લંડનમાં ભારતીય હાઈ કમિશન દ્વારા આયોજિત રિસેપ્શનમાં ભારતીય સમુદાયના પ્રતિનિધિઓને મળશે.

લંડન સ્થિત થિંક ટેન્ક ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ (IISS) ખાતે દક્ષિણ અને મધ્ય એશિયન સંરક્ષણ, વ્યૂહરચના અને રાજદ્વારી માટેના વરિષ્ઠ ફેલો રાહુલ રોય-ચૌધરીએ જણાવ્યું હતું  કે “શ્રી સિંઘની મુલાકાત ભારતના રાજકીય સંબંધોમાં સુધારો અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જી20 સમિટ માટે સુનકની ભારત મુલાકાત બાદ યુકે સાથે વિશ્વાસના નિર્માણનો સંકેત આપે છે. આ મુલાકાત સચિવોના સ્તરે દિલ્હીમાં નવેમ્બર 2023 ડિફેન્સ કન્સલ્ટેટિવ ગ્રૂપ (DCG) મીટિંગ બાદ યુકે સાથે લશ્કરી સહયોગ અને સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ કરશે.”

સંરક્ષણ વિશ્લેષક માને છે કે મંત્રી-સ્તરના સંવાદ દ્વારા, બ્રિટિશ સરકાર ભારતમાં આ ઉદ્દેશ્યોને આગળ ધપાવવા માટે બ્રિટિશ કંપનીઓ માટે “સક્ષમ વાતાવરણ” પ્રદાન કરવાનો પ્રયાસ કરી શકે છે. પશ્ચિમ હિંદ મહાસાગર ક્ષેત્રના ત્રીજા દેશો સાથે નૌકાદળ અને દરિયાઈ સુરક્ષા સહયોગ વધારવાની આ એક અનોખી તક છે, જેમાં યુકેની સૈન્ય અને નૌકાદળની યજમાની કરતા ઓમાન અને કેન્યાનો પણ સમાવેશ થાય છે. ભારતીય નૌકાદળ દ્વારા આ ક્ષેત્રમાં મોટી ભૂમિકા સાથે પોતાનો પ્રભાવ વધારવામાં આવી રહ્યો છે.

જૂન 2022 માં રાજનાથ સિંહની યુકેની મુલાકાત ભારત દ્વારા “પ્રોટોકોલ કારણોસર” રદ કરવામાં આવી હતી.

LEAVE A REPLY