ઓહાયોના ડેટન ટેમ્પલ ખાતે તાજેતરમાં યોજાયેલ એક કાર્યક્રમમાં કેરાલા હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકાએ દેશમાં પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં રીપબ્લિકન ઉમેદવાર વિવેક રામાસ્વામીના માતા-પિતાને પવિત્ર ઋગ્વેદનો ગ્રંથ ભેટ આપ્યો હતો.
યુટ્યૂબ પર વાઇરલ થયેલા એક વીડિયોમાં વિવેકના પિતા આ પ્રાચીન ગ્રંથની પૂજા કરી રહેલા અને પછી તે પુત્રને સુપરત કરી રહેલા દેખાય છે. રામાસ્વામીએ ઋગ્વેદના ઐક્યમાત્ય સુક્તમનું પઠન કરતા આખું વાતાવરણ આધ્યાત્મિકતાથી ગૂંજી ઉઠ્યું હતું.
ગત વર્ષે નવેમ્બરમાં, વિવેક રામાસ્વામીએ તેમના ‘હિન્દુ’ ધર્મ અંગે જાહેર સ્પષ્ટતા કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમનો ધર્મ તેમને આઝાદી આપે છે અને તેમને નૈતિક જવાબદારી તરીકે પ્રેસિડેન્ટપદનું આ કેમ્પેઇન કરવા પ્રેરિત કર્યા હતા.
ધ ડેઈલી સિગ્નલ પ્લેટફોર્મ દ્વારા યોજાયેલ ‘ધ ફેમિલી લીડર’ ફોરમમાં, ઓહાયોના રહેવાસી ઇન્ડિયન-અમેરિકને હિન્દુ ધર્મ અને ખ્રિસ્તી ધર્મના વિચારો વચ્ચેની સમાનતા રજૂ કરી હતી, અને આવનારી પેઢીના ફાયદા માટે સહિયારા મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો તેમનો ઈરાદો વ્યક્ત કર્યો હતો.
સાઉથ-વેસ્ટ ઓહાયોના 38 વર્ષના વતની રામાસ્વામીનાં માતા જેરિયાટ્રિક સાઇકિયાટ્રિસ્ટ હતા અને તેમના પિતા જનરલ ઇલેક્ટ્રિકમાં એન્જિનિયર તરીકે કાર્યરત હતા. પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં રામાસ્વામીના કેમ્પેઇનથી લોકોનું ધ્યાન તેમના તરફ ખેંચાયું હતું. જો કે, સીએનએન દ્વારા થોડા સમયમાં આયોજિત થનારી પ્રેસિડેન્શિયલ ડીબેટમાં રામાસ્વામીનો સમાવેશ કરાયો નથી.