બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ રવિવારે વિક્રમજનક ચોથી વખત ચૂંટણી જીતી હતી. હિંસા અને મુખ્ય વિપક્ષ BNP અને તેના સાથી પક્ષો દ્વારા બહિષ્કારથી વચ્ચે યોજાયેલી રાષ્ટ્રીય ચૂંટણીમાં હસીનાની અવામી લીગ પાર્ટીએ બે તૃતીયાંશ બેઠકો જીતી હતી.
હસીનાની પાર્ટીએ 300 બેઠકોની સંસદમાં 200 બેઠકો જીતી હતી. હસીનાએ આઠમી વખત ગોપાલગંજ-3 બેઠક જીતી હતી. તેમણે 249,965 મત મેળવ્યા હતા જ્યારે તેમના નજીકના હરીફ બાંગ્લાદેશ સુપ્રીમ પાર્ટીના એમ નિઝામ ઉદ્દીન લશ્કરે માત્ર 469 મત મેળવ્યા હતા.
દક્ષિણ એશિયાના આ વ્યૂહાત્મક દેશમાં હસીના 2009થી સત્તા પર છે. 76 વર્ષીય નેતા એકતરફી ચૂંટણીમાં સતત ચોથી વખત અને એકંદરે પાંચમી વખત સત્તા પર આવ્યાં હતા.
મુખ્ય ચૂંટણી કમિશનર કાઝી હબીબુલ અવલે અગાઉ જણાવ્યું હતું કે પ્રારંભિક અંદાજ મુજબ, આશરે 40 ટકા મતદાન થયું હતું. 2018ની સામાન્ય ચૂંટણીમાં એકંદરે 80 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું.
ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાની આગેવાની હેઠળની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) નેતાઓએ જણાવ્યું હતું કે પાર્ટી મંગળવારથી શાંતિપૂર્ણ રીતે સરકાર વિરોધી ચળવળને વધુ તીવ્ર બનાવવાની યોજના ધરાવે છે. તેમણે ચૂંટણીઓને “બનાવટી” તરીકે ગણાવી હતી. BNPએ 2014ની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો પરંતુ 2018માં એક સાથે જોડાઈ હતી. આ વખતે તેઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. અન્ય 15 રાજકીય પક્ષોએ પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
બાંગ્લાદેશમાં રવિવારે ચૂંટણી પહેલા હિંસા ફાટી નીકળી હતી. મુખ્ય વિપક્ષ BNPએ ચૂંટણીનો બહિષ્કાર કરીને 48 કલાકની રાષ્ટ્રવ્યાપી હડતાલનું શનિવારે એલાન આપ્યું હતું. મુખ્ય વિપક્ષની શુક્રવારે એક પેસેન્જર ટ્રેનમાં આગચંપીથી પાંચ લોકોના મોત થયા હતાં.
ચૂંટણીમાં 27 રાજકીય પક્ષોના 1,500થી વધુ ઉમેદવારો ઉપરાંત 436 અપક્ષ ઉમેદવારો મેદાનમાં હતા. ભારતના ત્રણ સહિત 100થી વધુ વિદેશી નિરીક્ષકોએ 12મી સામાન્ય ચૂંટણીનું નિરીક્ષણ કર્યુ હતું.