શાહરૂખ ખાન છેલ્લા ચાર વર્ષથી બોલીવૂડથી દૂર હતો પરંતુ 2023માં તેણે ધમાકેદાર કમબેક કર્યું હતું. પઠાણ અને જવાન જેવી ધમાકેદાર ફિલ્મો આપ્યા પછી ચાહકો આતુરતાથી તેની ફિલ્મ ડંકીની રાહ જોઈ રહ્યા હતા. રાજકુમાર હિરાનીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મને લઈને દર્શકોમાં ખાસ્સો ઉત્સાહ હતો. શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાનીએ પ્રથમવાર સાથે કામ કર્યું હતું.
વિદેશો ગેરકાયદે ઘૂસણખોરી માટે વપરાતા રૂટને ડોન્કી કહેવામાં આવે છે. અર્થપૂર્ણ અને સંવેદનશીલ ફિલ્મ બતાવવા માટે જાણીતા ડાયરેક્ટર રાજકુમાર હિરાનીએ ‘ડંકી’ દ્વારા અધૂરી મહત્વાકાંક્ષાઓ, સાધનો અને સીમાઓથી ઉપરવટ જઈને સપનાઓને સાકાર કરવાની વાત આ ફિલ્મમાં જણાવી હતી.
ફિલ્મની વાર્તા કંઇક આવી છે. બ્રેઇન ટ્યૂમર સામે લડી રહેલી મનુ (તાપસી પન્નુ) હોસ્પિટલમાંથી ભાગીને વકીલ પાસે આવે છે કારણકે તેને પોતાના વતન ભારતમાં પરત જવું છે. બીમારીના કારણે મનુ પાસે જિંદગીના છેલ્લા દિવસો છે. 25 વર્ષ પહેલા પોતાના મિત્રો બુગ્ગુ (વિક્રમ કોચર) અને બલ્લી (અનિલ ગ્રોવર) સાથે તેણે દેશ છોડ્યો હતો. આ લોકો ઈલીગલ ઈમિગ્રન્ટ્સ તરીકે લંડનમાં ઘૂસીને રૂપિયા કમાઈને ઘર-પરિવારની બગડેલી સ્થિતિ સુધારવાની જિદ્દ લઈને આવ્યા હતા. પરંતુ હવે તેને લાગે છે કે, તેમને વતનમાં પરત લઈ જવાનું કામ માત્ર હાર્ડી (શાહરૂખ ખાન) જ કરી શકે છે. આ સીન પછી વાર્તા ફ્લેશબેકમાં જાય છે.
મનુ, બુગ્ગુ, બલ્લી અને સુખી (વિકી કૌશલ)ને લંડન જવાનું આકર્ષણ હતું. મનુને પોતાનું ગિરવે મૂકેલું ઘર છોડાવવા માટે રૂપિયા જોઈએ છે, બુગ્ગુ અને બલ્લીને પણ ઘરની સ્થિતિ સુધારવા માટે લંડન જવું છે. ઘરેલુ હિંસાનો શિકાર થયેલી પોતાની પ્રેમિકાને પતિની ચુંગાલમાંથી છોડાવવા માટે સુખી લંડન જવા ઇચ્છે છે. લંડન જવા માટે તેઓ સીધા અને વાંકાચૂકા બધા જ રસ્તા અપનાવી ચૂક્યા છે.
લંડનના નકલી વિઝાના લીધે તેમના કેટલાય રૂપિયા બરબાદ થઈ ગયા છે. પછી તેમનો ભેટો એક બહાદુર સૈનિક હાર્ડી સાથે થાય છે. તે એ વ્યક્તિને શોધી રહ્યો છે જેણે વર્ષો પહેલા તેનો જીવ બચાવ્યો હતો. હાર્ડીની મુલાકાત મનુ સાથે થાય છે ત્યારે તેને ખબર પડે છે કે એ શખ્સ મનુનો ભાઈ હતો અને અકસ્માતમાં તેનું મોત થયું છે. દરમિયાન હાર્ડીને આ ત્રણેય મિત્રોની આર્થિક પરિસ્થિતિ અને સપનાઓની જાણ થાય છે અને તે તેમને લંડન પહોંચાડવા તૈયાર થઈ જાય છે.
યુકે જવા માટે કટિબદ્ધ આ ત્રણેય નકલી વિઝા, નકલી લગ્ન, નકલી સ્ટુડન્ટ આઈડી અને એક્ઝામ્સ જેવા તમામ ષડયંત્રો અજમાવે છે પરંતુ સફળ નથી થતાં. જેથી તેઓ ડંકી રૂટ (પાકિસ્તાન-અફઘાનિસ્તાન થઈને ગેરકાયદે યુકેમાં પ્રવેશ કરવાનો) નિર્ણય કરે છે. પરંતુ તેઓ એ વાતથી અજાણ છે કે, આ ગેરકાયદે રસ્તો કેટલો ખતરનાક અને જીવલેણ સાબિત થઈ શકે છે. આ બધા યુકે પહોંચે છે પણ છેવટે હાર્ડીને પોતાના દેશ પરત મોકલવામાં આવે છે. હવે આગળની સ્ટોરી જાણવા માટે ફિલ્મ જોવી રહી.