ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અપમાનજનક પોસ્ટ બદલ માલદીવની સરકારે રવિવારે તેના ત્રણ પ્રધાનોને સસ્પેન્ડ કર્યા હતાં. આ પ્રધાનોની વિવાદાસ્પદ પોસ્ટ્સને પગલે ભારતમાં ભારે વિરોધ થયો હતો. ઘણા ભારતીયોએ તેમના માલદિવ્સ પ્રવાસને રદ કરી દીધા હતાં અને ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે સોશિયલ મીડિયામાં બોયકોટ માલદિવ્સ ટ્રેન્ડ ચાલુ થયો હતો
માલદીવ સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલયે આજે સોશિયલ મીડિયા પર પડોશી દેશ ભારતનું અપમાન કરતી કેટલીક પોસ્ટ્સના સંબંધમાં ભારત સરકાર અંગેના વલણ પર નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી હોદ્દા પર રહીને સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ કરનારાઓને હવે તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.” પ્રધાન મરિયમ શિઉના, માલશા શરીફ અને મહઝૂમ માજિદને સસ્પેન્ડ કરાયા હતાં.
આ સમગ્ર મામલો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપની તાજેતરની મુલાકાત સંબંધિત છે. મોદીએ આ મુલાકાતને કેટલાંક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા અને લોકોને વિદેશ પ્રવાસની જગ્યાએ લક્ષ્યદીપનો પ્રવાસ કરવાનો અનુરોધ કર્યો હતો.