2024ની શરૂઆત સાથે જ પ્રથમ મહિનાને મનોરંજનથી ભરપૂર બનાવવા માટે ડિજિટલ પ્લેટફોર્મે સક્રીય બની ગયું છે. જાન્યુઆરીમાં બ્લોકબસ્ટર ફિલ્મોથી લઇને ક્રાઈમ થ્રિલર સિરીઝનું નાના પડદે જોવા મળશે. જાન્યુઆરીમાં મનોરંજન પીરસવા માટે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, જિયો સિનેમા અને ઝી5 જેવા ઓટીટી પ્લેટફોર્મ સજ્જ થઈ ગયા છે.
રણબીર કપૂર-રશ્મિકા મંદાનાની બ્લોકબસ્ટર એક્શન થ્રિલર ‘એનિમલ’ અંગે ઘણાં દિવસો સુધી ચર્ચા થઈ હતી. હિંસા અને અશ્લીલતાને પ્રોત્સાહન આપતી હોવાના આક્ષેપો વચ્ચે આ ફિલ્મે રેકોર્ડ બ્રેક બિઝનેસ કર્યો હતો. બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરીની કારકિર્દીને વેગ આપનારી આ ફિલ્મ 14 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની સંભાવના છે.
‘એનિમલ’ની સાથે વિકી કૌશલની ફિલ્મ ‘સેમ બહાદુર’ના ખૂબ વખાણ થયા હતા. ભારતના ભૂતપૂર્વ ફિલ્ડ માર્શલ સેમ માણેક શોના જીવન આધારિત આ ફિલ્મને મેઘના ગુલઝારે ડાયરેક્ટ કરી હતી. 26 જાન્યુઆરીએ ઝી5 પર આ ફિલ્મ રિલીઝ થશે.
બ્લોકબસ્ટર ફિલ્મો આપનારા રોહિત શેટ્ટીએ પ્રથમવાર વેબ સિરીઝ પર નસીબ અજમાવ્યું છે. તેમની પ્રથમ વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સ 19 જાન્યુઆરીએ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. ભારતીય પોલીસ અધિકારીઓ પર બનેલી સાત એપિસોડની આ વેબ સિરીઝ એક્શનથી ભરપૂર છે. તેમાં સિદ્ધાર્થ મલહોત્રા, શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય મહત્ત્વની ભૂમિકામાં છે.
નવી વેબસીરિઝ કિલર સૂપ 11 જાન્યુઆરીથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. તે ક્રાઈમ થ્રિલર ડ્રામા વેબ સિરીઝ છે. શેફ સ્વાતિ શેટ્ટીની કહાની આધારિત આ સિરીઝને અભિષેક ચૌબેએ ડાયરેક્ટ કરી છે. તેમાં મનોજ બાજપેયી, કોંકણા સેન શર્મા નાસિરસ અને સયાજી શિંદે જેવા કલાકારો મહત્ત્વના રોલમાં છે.
અમેરિકન ડ્રામા સિરીઝ ‘રીવેન્જ’ના હિન્દી વર્ઝન તરીકે રવિના ટંડનની ડ્રામા સિરીઝ ‘કર્મા કોલિંગ’ બની છે. આ રિવેન્જ ડ્રામા 26 જાન્યુઆરીથી ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે.
ભગવાન હનુમાનની કહાની દર્શાવતી ધ લીજન્ડ ઓફ હનુમાન ફિલ્મની પ્રથમ બે સિઝન ઓડિયન્સને પસંદ આવી હતી. આ નવી સિઝનમાં લંકા પહોંચીને હનુમાનજીએ મચાવેલા ઉત્પાતને દર્શાવવામાં આવશે. ડિઝની હોટ સ્ટાર પર આ સીરિઝને 12 જાન્યુઆરીની આસપાસ રિલીઝ કરવાનું આયોજન છે.
વેબસિરીઝથી કમબેક કરનારી કાજોલની ફિલ્મ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. કાજોલ અને ક્રિતિ સેનનનો લીડ રોલ ધરાવતી ‘દો પત્તી’માં રહસ્ય અને ષડયંત્રની થીમ છે. ફિલ્મને જાન્યુઆરી મહિનામાં રિલીઝ કરાશે, પરંતુ તેની તારીખ જાહેર થઈ નથી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ શકે છે.
આ ઉપરાંત સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘સજની શિંદે કા વાઈરલ વીડિયો’ તાજેતરમાં રિલીઝ થઈ હતી. થીયેટરમાં આ ફિલ્મ ખાસ ચાલી ન હતી, પરંતુ સ્ટારકાસ્ટના કારણે તેની નોંધ લેવાઈ હતી. રાધિકા મદાન, નિમરત કૌર અને ભાગ્યશ્રીનો રોલ ધરાવતી આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર આવી ગઈ છે. થીયેટરમાં રિલી થયા પછી તેનું નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ થયું હતું. આ ફિલ્મમાં એક વાઈરલ વીડિયોના કારણે ઊભાં થયેલા ઘણાં બધા પ્રશ્નોની વાત છે. સજની શિંદે અચાનક ગાયબ થઈ જાય છે. સ્કૂલ ટીચર સજનીનો એક વીડિયો વાઈરલ થયાં બાદ તેની છાપ બદલાઈ જાય છે. ત્યાર બાદ તે ક્યાંય જોવા મળતી નથી. સજનીને શોધવાની મથામણમાં અનેક રહસ્યો બહાર આવે છે.
—————————