આ વર્ષે નવ કેન્દ્રીય પ્રધાનો સહિત રાજ્યસભામાંથી કુલ 68 સભ્યો નિવૃત્ત થશે. આમ હવે સંસદના ઉપલા ગૃહમાં છ વર્ષની મુદત માટે સાંસદ બનવાની તમામ રાજકીય પક્ષોના નેતાઓમાં એક પ્રકારની સ્પર્ધા શરૂ થઈ છે. 68 જગ્યાઓમાંથી દિલ્હીની ત્રણ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત થઇ છે. સંજય સિંહ, નારાયણ દાસ ગુપ્તા અને સુશીલ કુમાર ગુપ્તા 27 જાન્યુઆરીએ તેમનો કાર્યકાળ પૂર્ણ કરશે. સિક્કિમમાં રાજ્યસભાની એકમાત્ર સીટ માટે 23 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ સહિત 57 જેટલા નેતાઓ એપ્રિલમાં તેમનો કાર્યકાળ પૂરો કરશે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 10 સીટો ખાલી થશે. એ પછી છ-છ સીટો સાથે મહારાષ્ટ્ર અને બિહાર છે. મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં (પાંચ-પાંચ) બેઠકો ખાલી પડશે. ગુજરાત અને કર્ણાટકમાં ચાર-ચાર સીટો માટે ચૂંટણી જંગ થશે. ગુજરાતમાંથી મનસુખ માંડવિયા ઉપરાંત નારણ રાઠવા. અમી યાજ્ઞિક અને પુરુષોત્તમ રૂપાલાનો સમાવેશ થાય છે. ચાર નોમિનેટેડ સભ્યો પણ જુલાઇમાં નિવૃત્ત થવાના છે. હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભામાં ફરી નિમણૂક માટે, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમના ગૃહ રાજ્યની બહાર બેઠક શોધવી પડશે કારણ કે ત્યાં કોંગ્રેસ સત્તામાં છે.
કર્ણાટકમાં ચાર અને તેલંગાણામાં બે રાજ્યસભા સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. આ બંને રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે. નિવૃત્ત થનારા અન્ય સભ્યોમાં કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન વી મુરલીધન, એમએસએમઇ પ્રધાન નારાયણ રાણે, ભૂતપુર્વ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર, કોંગ્રેસના સભ્ય કુમાર કેતકર, એનસીપીના સભ્ય વંદના ચવ્હાણ અને શિવસેના (યુબીટી) મેમ્બર અનિલ દેસાઇનો સમાવેશ થાય છે.