અમેરિકામાં ફેડરલ ઓથોરિટીએ ભારતીય મૂળના રિયલ એસ્ટેટ ડેવલપર પર USD 93 મિલિયનની ફ્રોડ સ્કીમનો આરોપ મૂક્યો છે. બિલ્ડર પર રોકાણકારોને બોગસ રોકાણ સ્કીમમાં ફસાવીને 93 મિલિયન ડોલરનો ફ્રોડ કરવાનો આરોપ છે.

આ આરોપીનું નામ ઋષિ કપૂર છે, જે માયામીમાં રિયલ એસ્ટેટ ડેવલપર છે. આરોપી બિલ્ડર ઋષિ કપુર પર અમેરિકાના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને કેસ દાખલ કર્યો હતો. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને આ રિયલ એસ્ટેટ ડેવલપરની કેટલીયે સંપત્તિઓ જપ્ત કરવાનો આદેશ મેળવ્યો હતો.

બિલ્ડર પર 9.30 કરોડ ડોલરની છેતરપિંડી કરવાનો આરોપ છે. ઋષિ કપુરના માલિકની કંપની રિયલ એસ્ટેટ કંપની લોકેશન વેન્ચર્સ ઉપરાંત તેની સહયોગી અર્બિન અને 20 અન્ય સંબંધિત ફર્મની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ ફરિયાદ મુજબ જાન્યુઆરી 2018થી લઈને માર્ચ 2023 સુધી ઋષિ કપુર અને અન્ય આરોપીઓએ પોતાની કંપનીઓ અને પ્રોજેક્ટ્સને લઈને લોભામણા દાવા કર્યા, જેના કારણે લોકો એમના પ્રોજેક્ટમાં રોકાણ કરે. આરોપ છે કે રોકાણકારોના પૈસાથી આરોપી ઋષિ કપુરે ખુદ માટે 50 લાખ ડોલરની લક્ઝરી યોટ અને એક લક્ઝરી સ્પોર્ટ્સકાર પણ લીઝ પર લીધી હતી. આ ભારતીય મૂળના બિલ્ડરે 50 રોકાણકારો સાથે છેતરપિંડી કરી છે. ઋષિ કપૂર અને અન્ય પર અમેરિકાના સિક્યોરિટીઝ એક્ટ હેઠળ આરોપ મૂકાયા છે.

 

LEAVE A REPLY