કાર્ડિફ યુનિવર્સિટીમાં પ્રતિષ્ઠિત વિઝિટિંગ ફેલો અને વેલ્સ સરકાર માટે કાર્યરત ઉષાબેન લાડવા-થોમસને અશ્વેત, એશિયન અને લઘુમતી વંશીય લોકો સાથે કામ કરવા અને તેમના નોંધપાત્ર અને કાયમી યોગદાન બદલ OBE એનાયત કરાયો છે.

ઉષાબેન 11 વર્ષની ઉંમરે ગુજરાતી કેન્યન શરણાર્થી તરીકે લંડન આવ્યા હતા અને કાર્ડિફ યુનિવર્સિટીમાં તેમણે ઝુઓલોજોનો ઓભ્યાસ કર્યો હતો. જ્યાં તેમને પર્યાવરણીય કાર્યો માટે બળ મળ્યું હતું.

ઉષાબેને કાર્ડિફમાં કોમ્યુનિટી એક્ટિવિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ પહેલા બર્નાર્ડોસ સાથે રેસ ઇક્વાલિટી ઓફિસર તરીકે જોડાયા હતા અને વંશીય લઘુમતી પરિવારો અને બાળકો માટે સેવાઓ સુધારવા માટેના પોતાના કાર્યનો વિકાસ કર્યો હતો. ઉષાબેન યુકે, ભારત અને આફ્રિકામાં એનજીઓ સાથે સક્રિય રીતે કામ કરવા માટે પ્રતિબદ્ધ રહ્યા છે.

ઉષાબેનના કાર્યમાં નેતૃત્વ વિકાસ અને આબોહવા પરિવર્તનને આવરી લેવાયા છે. વેલ્સ સરકારના જાતિવાદ વિરોધી વેલ્સ એક્શન પ્લાનના કેન્દ્રીય આર્કિટેક્ટ તરીકેની ભૂમિકા બદલ તેમને 2023માં પ્રતિષ્ઠિત યુકે સિવિલ સર્વિસ એવોર્ડ એનાયત કરાયો છે.

ઉષાબેને કહ્યું હતું કે “મારા પિતાએ નાની ઉંમરે મારામાં ગાંધીયન સિદ્ધાંતોને અંકિત કર્યા હતા કે સામાજિક ન્યાય બધા માટે શક્ય છે. મને જે તક મળી છે તે અન્ય લોકોને પાછી આપવા માટે છે. વેલ્સ, ભારત અને કેન્યામાં રહેવાથી મને વિશાળ ફાયદા અને આંતરદૃષ્ટિ સાથે વૈશ્વિક નાગરિક બનાવે છે. હું પરિવર્તનની ઈચ્છા રાખતા મારા જેવા ઘણા લોકો માટે તથા સામાજિક અન્યાય સામે લડવાનું ચાલુ રાખવા માટે મારા OBE નો ઉપયોગ કરીશ.’’

ઉષાબેન તમિલનાડુમાં ચિલ્ડ્રન વૉચ સાથે પણ કામ કરે છે.

LEAVE A REPLY