અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યમાં ગયા અઠવાડિયે ભારતીય મૂળના ધનિક દંપતી અને તેમની પુત્રીના મૃતદેહો મળી આવ્યાં હતા. મંગળવારે જારી થયેલી ઓટોપ્સી રિપોર્ટ મુજબ આ સમગ્ર મામલો હત્યા-આત્મહત્યાનો હતો. આનો અર્થ એવો થાય છે કે પરિવારના વડાએ પોતાની પત્ની-પુત્રીની ગોળી મારીને હત્યા કરી હતી અને તે પછી તેમણે જાતે આપઘાત કર્યો હતો.
28 ડિસેમ્બર, 2023ના રોજ ડોવરમાં USD 5 મિલિયનના વૈભવી બંગલામાં રાકેશ કમલ (57), તેની પત્ની ટીના કમલ (54) અને તેમની કોલેજ જતી પુત્રી એરિયાના કમલ (18)ના મૃતદેહો મળી આવ્યાં હતાં. રાકેશ કમલ પાસે એક હથિયાર મળી આવ્યું હતું.
મંગળવારે નોર્ફોક ડિસ્ટ્રિક્ટ એટર્ની માઈકલ મોરિસીના કાર્યાલયે જારી કરેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે મુખ્ય તબીબી પરીક્ષકની ઓફિસના ઓટોપ્સી રિઝલ્ટમાં પુષ્ટી મળી છે કે ટીના અને તેની પુત્રી એરિયાના ગોળી મારીને હત્યા કરાઈ હતી, જ્યારે રાકેશનું મૃત્યુ “પોતે મારવામાં આવેલી ગોળી વાગવાથી” થયું હતું. બંદૂકનું સંપૂર્ણ ફોરેન્સિક અને બેલિસ્ટિક ટેસ્ટિંગ પૂરું થયું નથી. આ ગન રાકેશના નામે નોંધાયેલી ન હતી અને અને તેની પાસે લાઇસન્સ ન હતું.
ડોવર અને મેસેચ્યુસેટ્સ સ્ટેટ પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ ચાલુ છે. ગયા અઠવાડિયે મોરિસીએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ દર્શાવે છે કે આ ઘટના ઘરેલું હિંસાનો કેસ છે અને બહારના વ્યક્તિની સંડોવણીનો સંકેત આપતી નથી.
ડોવર મેસેચ્યુસેટ્સની રાજધાની બોસ્ટનથી લગભગ 32 કિલોમીટર દૂર છે. આ દંપતી અગાઉ એજ્યુનોવા નામની હાલમાં બંધ પડેલી એજ્યુકેશન સિસ્ટમ કંપની ચલાવતા હતાં. રાકેશ અને ટીનાએ તાજેતરમાં નાદારીની અરજી કરી હતી. તેમના બંગલાની પણ હરાજી થઈ હતી.
ઓનલાઈન રેકોર્ડ મુજબ તાજેતરના વર્ષોમાં આ દંપતીને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવાનું જણાયું હતું. પરિવારના સભ્ય સાથે એક કે દિવસ સુધી કોઇ સંપર્ક ન થયા પછી તેમના સંબંધીઓએ ઘરમાં જઈને તપાસ કરી ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.
આ પરિવારના વિશાળ બંગલાની કિંમત 54.5 લાખ ડોલરનો હોવાનો અંદાજ છે. એક વર્ષ પહેલા તેની હરાજી થઈ હતી અને તે મેસેચ્યુસેટ્સ સ્થિત વિલ્સનડેલ એસોસિએટ્સ ખરીદ્યો હતો. કમલ પરિવારે 2019માં આશરે 40 લાખ ડોલરમાં 11 બેડરૂમ ધરાવતા 19,000 ચોરસફૂટનો આ મહેલ ખરીદ્યો હતો. આ ઘટના સમયે સમગ્ર મહેલમાં એકમાત્ર આ પરિવાર રહેતો હતો.