હિન્દી ફિલ્મો માટે ગત વર્ષ ખૂબ જ સફળ થતાં નવા વર્ષ 2024ના પ્રારંભે બોલીવૂડમાં નવી આશા-ઉમંગ-ઉત્સાહ જોવા મળે છે. 2023 બોલીવૂડ માટે ખૂબ ભાગ્યશાળી રહ્યું હતું અને ફિલ્મોએ 11,000 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. આ વર્ષે રીલીઝ થનારી ફિલ્મો માટે ફિલ્મકારોમાં 2023ની જેમ મોટી સકારાત્મક અપેક્ષા જોવા મળી રહી છે. ભૂતકાળમાં ખોવાઇ ગયેલા ઘણા કલાકારો નવા વર્ષમાં ફરીથી ફિલ્મી પડદે જોવા મળશે.
નવા વર્ષમાં રજૂ થનારી હિન્દી ફિલ્મો
ફાઇટર
હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ‘ફાઇટર’ આવતા વર્ષે સૌથી પહેલા રીલીઝ થશે. ‘ફાઇટર’માં હૃતિક રોશન, અનિલ કપૂર, દીપિકા પાદુકોણ ઉપરાંત કરણ સિંહ ગ્રોવર, અક્ષય ઓબેરોય, સંજીદા શેખ, તલત અઝીઝ અને અન્યો સહિતની સ્ટારકાસ્ટ સહાયક ભૂમિકામાં છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
યોદ્ધા
સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્શન ફિલ્મ ‘યોદ્ધા’ પણ આ યાદીમાં સામેલ છે. સિદ્ધાર્થ અને રાશિ આગામી એક્શન થ્રિલર ફિલ્મ ‘યોદ્ધા’ માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં દિશા પટણી પણ મુખ્ય ભૂમિકામાં છે. સાગર અંબ્રે અને પુષ્કર ઓઝા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ 15 માર્ચ, 2024ના રોજ રિલીઝ થવાની છે.
સ્કાય ફોર્સ
ગત વર્ષે અનેક ફ્લોપ ફિલ્મો આપનાર અભિનેતા અક્ષયકુમાર 2024માં એક્શન ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ લઇને આવી રહ્યો છે. આ ફિલ્મ ભારતના પ્રથમ અને સૌથી ઘાતક હવાઈ હુમલા પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર એરફોર્સના પાયલોટની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન દિનેશ વિજને કર્યું છે. ફિલ્મમાં અક્ષય ઉપરાંત નિમરત કૌર અને સારા અલી ખાન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. દિનેશ વિજન અને જ્યોતિ દેશપાંડે દ્વારા નિર્મિત ‘સ્કાય ફોર્સ’ ઑક્ટોબર 2, 2024ના રોજ સિનેમા થિયેટરોમાં રજૂ થશે.
સિંઘમ અગેઇન
દિગ્દર્શક રોહિત શેટ્ટી અને અભિનેતા અજય દેવગણની સિંઘમ સિરીઝને દર્શકોનો સારો પ્રતિભાવ મળ્યો છે. નવા વર્ષમાં રોહિત શેટ્ટી સિંઘમ અગેઇન લઇને આવી રહ્યા છે. આ ફિલ્મમાં તેની સિંઘમ સિરિઝી અગાઉની બે ફિલ્મો કરતાં વધુ એક્શન જોવા મળશે. આ વખતે આ ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત કરીના કપૂર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને અક્ષય કુમાર પણ મહત્વના રોલમાં જોવા મળશે.
બડે મિયાં છોટે મિયાં
અગાઉ અમિતાભ બચ્ચન અને ગોવિંદાને લઇને દિગ્દર્શક ડેવિડ ધવને બડે મિયાં, છોટે મિયાં ફિલ્મ બનાવી હતી. જે એ વખતે હીટ નીવડી હતી. હવે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ આ વર્ષે આવી રહી છે. ‘બડે મિયાં છોટે મિયાં’ ઈદના તહેવાર વખતે થિયેટરોમાં રજૂ થશે. આ એક એક્શન, કોમેડી ફિલ્મ છે. ફિલ્મનું નિર્માણ વાસુ ભગનાની, દીપશિખા દેશમુખ, જેકી ભગનાની, હિમાંશુ કિશન મહેરા અને અલી અબ્બાસ ઝફર દ્વારા કરવામાં આવ્યું છે.