બાંગ્લાદેશના નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી ડૉ. મુહમ્મદ યુનુસને સોમવારે શ્રમ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ કોર્ટે છ મહિનાની જેલની સજા કરી હતી. યુનુસના સમર્થકોએ કોર્ટના ચુકાદાને 7 જાન્યુઆરીની સામાન્ય ચૂંટણીઓ પહેલા રાજકીય પ્રેરિત ગણાવ્યો હતો.
કોર્ટની સુનાવણી દરમિયાન 83 વર્ષીય યુનુસ હાજર રહ્યાં હતાં. તેમણે ચુકાદા પછી જામીનની અરજી કરી હતી, જેને થર્ડ લેબર કોર્ટના જજ શેખ મેરિના સુલ્તાનાએ 5,000 ટાકા (USD 45)ના બોન્ડના બદલામાં એક મહિના માટે તરત જ મંજૂર કર્યા હતાં.
યુનુસને માઇક્રોક્રેડિટના પ્રણેતા ગણવામાં આવે છે અને લાખો લોકોને ગરીબીમાંથી બહાર લાવવા બદલ ૨૦૦૬માં નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. યુનુસની બાંગ્લાદેશના લાંચ વિરોધી નિયામક, ભ્રષ્ટાચાર વિરોધી પંચે મની લોન્ડરિંગ અને ઉચાપતના આરોપ હેઠળ પૂછપરછ કરી હતી. ગ્રામીણ ટેલિકોમના ચેરમેન યુનુસની શ્રમ કાયદાનો ભંગ કરવા બદલ ધરપકડ કરાઈ હતી.
યુનુસના ડઝનેક સહયોગીઓ આ જ પ્રકારના આરોપનો સામનો કરી રહ્યા છે. ગ્રામીણ ટેલિકોમ બાંગ્લાદેશમાં સૌથી મોટી મોબાઇલ ટેલિકોમ કંપની છે. તપાસકર્તાઓનું કહેવું છે કે યુનુસ અને અન્યોએ વર્કર્સ ફંડમાંથી ૨૨.૮ લાખ ડોલરની ઉચાપત કરી છે. ઓગસ્ટમાં ૧૭૦થી વધુ વૈશ્વિક આગેવાન અને નોબેલ વિજેતાઓએ બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીનાને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે યુનુસ સામેની કાયદાકીય કાર્યવાહી પડતી મૂકવામાં આવે.