પેલેસ્ટાઇનને સમર્થન આપવા માટે પાકિસ્તાને આ વખતે નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાનની રખેવાળ સરકારના વડાપ્રધાન અનવર-ઉલ-હક્ક કાકરે ગુરુવારે ગાઝાપટ્ટીના લોકોને સમર્થન આપવાના ભાગરૂપે સમગ્ર દેશમાં નવા વર્ષના ઉજવણી પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.
તેમણે રાષ્ટ્રને કરેલા ટૂંકા સંબોધનમાં પેલેસ્ટાઇનીઓ સાથે એકતા દર્શાવવા તથા નવા વર્ષમાં સંયમ તથા વિનમ્રતા દાખવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પેલેસ્ટાઇનની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આપણા પેલેસ્ટિનિયન ભાઈઓ અને બહેનો સાથે એકતા દર્શાવવા માટે સરકાર નવા વર્ષ માટે કોઈપણ પ્રકારની ઇવેન્ટ યોજવા પર પ્રતિબંધ મૂકે છે.”
તેમણે જણાવ્યું હતું કે 7 ઑક્ટોબરના રોજ ઇઝરાયેલી બોમ્બમારો શરૂ થયો ત્યારથી લગભગ 9,000 બાળકો સહિત 21,000 થી વધુ પેલેસ્ટિનિયનોને ઇઝરાયેલી દળો દ્વારા ઠાર કરાયા તે હિંસા અને અન્યાયના તમામ સીમાડા વટાવી ગયા છે. ગાઝા અને પશ્ચિમ કાંઠે નિર્દોષ બાળકોના અને નિઃશસ્ત્ર પેલેસ્ટાઈનીઓના નરસંહારને લઈને પાકિસ્તાન અને સમગ્ર મુસ્લિમ વિશ્વમાં ભારે આક્રોશ છે.
પાકિસ્તાની વડાપ્રધાને જણાવ્યું હતું કે પાકિસ્તાને પેલેસ્ટાઈનને બે સહાય પેકેજ મોકલ્યા છે જ્યારે ત્રીજું પેકેજ તૈયાર થઈ રહ્યું છે. પાકિસ્તાન પેલેસ્ટાઈનને સમયસર સહાય પૂરી પાડવા અને ગાઝામાં હાજર ઘાયલોને બહાર કાઢવા માટે જોર્ડન અને ઈજિપ્ત સાથે વાતચીત કરી રહ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાને વિવિધ વૈશ્વિક મંચો પર પેલેસ્ટિનિયન લોકોની દુર્દશાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે અને ભવિષ્યમાં પણ ઇઝરાયેલના રક્તપાતને રોકવા માટે તેમ કરવાનું ચાલુ રાખશે.